એઆઈના ‘ગોડફાધર’ તરીકે ઓળખાતા નોબેલ પુરસ્કાર વિજેતા પ્રો. જેફ્રી હિન્ટને ચેતવણી આપી છે કે આગામી ત્રણ વર્ષમાં એઆઈ મનુષ્યોના જીવ માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે અને દુનિયા પર કબજો કરી શકે છે.
ટોરોન્ટોમાં યોજાયેલી એઆઈ સિક્યુરિટી નિષ્ણાતોની બેઠકમાં હિન્ટને કહ્યું કે, “હું સતત કહેતો આવ્યો છું કે આ વસ્તુ આપણા કરતાં વધુ સ્માર્ટ બની જશે, આપણે ચિંતિત થવું જોઈએ. આવું 10 વર્ષમાં થઈ શકે છે, પરંતુ આગામી 18 મહિનામાં જ થઈ શકે છે, અને આ વાત ભયાનક છે.”
એલાઇનમેન્ટ રિસર્ચ સેન્ટરના સ્થાપક પૉલ ક્રિસ્ટિયાનોએ પણ કહ્યું છે કે આગામી ત્રણ વર્ષમાં એઆઈનું મનુષ્યો પર હાવી થવાનું મોટું જોખમ છે, જ્યારે આગામી 6થી 12 મહિનામાં તે મનુષ્યોના નિયંત્રણની બહાર જઈ શકે છે. એઆઈ સાથે જોડાયેલી કોઈ દુર્ઘટનામાં લોકોના જીવ જઈ શકે છે.
આ પહેલી વાર નથી જ્યારે એઆઈને મનુષ્યો માટે જોખમ ગણાવવામાં આવ્યું હોય. આ પહેલાં સ્ટીફન હોકિંગ, ઈલોન મસ્ક, બિલ ગેટ્સ, યોશુઆ બેન્ઝિયો, સેમ ઑલ્ટમેન, ડેમિસ હસાબિસ, ડારિયો અમોદેઈ, સ્ટુઅર્ટ રસેલ, મેક્સ ટેગમાર્ક અને સ્ટીવ વોઝનિયાક પણ આ જ વાત કહી ચૂક્યા છે.
નિષ્ણાતોને આશંકા છે કે ભવિષ્યમાં એઆઈ પોતાના એજન્ટ બનાવી શકે છે, નવા હથિયારો વિકસાવી શકે છે અને ડ્રોન, રોબોટ તેમજ જરૂરી પાયાની સુવિધાઓ પર કબજો કરી શકે છે. તે ખતરનાક જૈવિક જોખમો પણ ઊભા કરી શકે છે. ક્રિસ્ટિયાનોના જણાવ્યા મુજબ, આવી સ્થિતિમાં એઆઈને રોકવી મુશ્કેલ બની શકે છે. જોખમ અંગે ઘણા દિગ્ગજો અગાઉ પણ ચેતવણી આપી ચૂક્યા છે.
પૉલ ક્રિસ્ટિયાનોએ ટોરોન્ટો લેક્ચરમાં કહ્યું કે, “આગામી 3 વર્ષમાં AIના ટેકઓવરનું ઊંચું જોખમ છે, અને 6થી 12 મહિનામાં જ તેનો ગંભીર ખતરો ઊભો થઈ શકે છે. અહીં બેઠેલા મોટાભાગના લોકોના મૃત્યુનું સૌથી મોટું કારણ AI અકસ્માત જ હશે.”
ક્રિસ્ટિયાનોએ પોતાના અંદાજમાં કહ્યું છે કે આગામી 1 વર્ષમાં 4% અને આગામી 3 વર્ષમાં 15% શક્યતા છે કે માણસો AI પરનો કાયમી રીતે નિયંત્રણ ગુમાવી દેશે.
ક્રિસ્ટિયાનોએ સ્પષ્ટ કર્યું કે ટેકઓવરનો અર્થ રોબોટ્સનું બંદૂક લઈને હુમલો કરવો નથી. ટેકઓવરનો અર્થ એ છે કે જ્યારે AI તેને સોંપવામાં આવેલા કામને પૂર્ણ કરવા માટે પોતે જ નિર્ણયો લેવા લાગે, તે માણસોને પોતાના માર્ગમાં અવરોધરૂપ સમજવા લાગે, સરકારો અને સિસ્ટમ પર કબજો કરીને પોતે જ આદેશ આપવા લાગે. તેમણે કહ્યું કે જો આપણે મરીએ નહીં તો પણ ટેકઓવરનો અર્થ માણસની સ્વતંત્રતા અને પોતે નિર્ણય લેવાનો અધિકાર ખતમ થવો છે.
ક્રિસ્ટિયાનોએ કહ્યું કે છેલ્લા 6 મહિનામાં AIની ગતિ અત્યંત ભયાનક રહી છે. તેમણે આ સમજાવવા માટે જુલાઈ 2026માં બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો. OpenAIના કેટલાક AI એજન્ટ્સ ઇન્ટરનેટ પર છટકી ગયા, તેમણે હગિંગ ફેસ નામના પ્લેટફોર્મને હેક કર્યું, યુઝર્સના લૉગિન ટોકન ચોરી લીધા અને એડમિન જેવો ઍક્સેસ મેળવ્યો. તેમણે એકબીજાની મદદ કરી, પોતાનું મેસેજ બોર્ડ બનાવ્યું અને માનવ એડમિનને છેતરવા માટે લૉગ ફાઇલોમાં હેરફેર કરી.
આ યુરોપિયન યુનિયનની પહેલી AI સમિટ હતી, જે ડબ્લિનમાં યોજાઈ હતી. તેની અધ્યક્ષતા યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટાએ કરી હતી. તેના યજમાન આયર્લેન્ડના વડાપ્રધાન મિશેલ માર્ટિન હતા. હિન્ટનને નેતાઓ સાથે લંચ માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેથી તેઓ સુરક્ષા અને સમાજ પરની અસર સમજાવી શકે. ફ્રાન્સની કંપની મિસ્ત્રાલ AIના CEO આર્થર મેન્શ પણ હાજર હતા. તેમણે AIની દોડમાં યુરોપ આગળ રહેવા અંગે વાત કરી. આ મીટિંગમાં કોઈ ઔપચારિક નિર્ણય લેવાનો નહોતો, માત્ર નેતાઓને સમજાવવાનું હતું કે ખતરો કેટલો નજીક છે.
હિન્ટનને AIના ગોડફાધર કહેવામાં આવે છે. તેમણે જ ન્યુરલ નેટવર્ક પર એવું કામ કર્યું, જેના કારણે આજનું ChatGPT અને AI બન્યું છે. તેમને આ માટે નોબેલ પુરસ્કાર પણ મળ્યો છે. 2023માં તેમણે ગૂગલની નોકરી છોડી દીધી હતી, માત્ર એટલા માટે કે તેઓ ખુલ્લેઆમ AIના ખતરા વિશે જણાવી શકે. એટલે કે આ ચેતવણી કોઈ સામાન્ય માણસની નથી, પરંતુ એ વ્યક્તિની છે, જેણે પોતે AI બનાવવામાં યોગદાન આપ્યું છે.