સત્ય. સાહસ. સંકલ્પ.

AIનું વધતું જોખમ: માનવ બુદ્ધિ અને અસ્તિત્વ માટે પડકાર

AIનું વધતું જોખમ: માનવ બુદ્ધિ અને અસ્તિત્વ માટે પડકાર

માણસ પોતાની સુવિધા અને શોર્ટકટની લાલચમાં એટલો આગળ વધી ગયો છે કે તેણે પોતાની બુદ્ધિ, વિવેક અને નૈતિકતાનું આખું તંત્ર સિલિકોન ચિપ્સ અને અલ્ગોરિધમના હવાલે કરી દીધું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે માત્ર માણસના આદેશ પર ચાલતું સાધન નથી રહ્યું. માણસ પોતાની યાદશક્તિ ગુમાવી રહ્યો છે. સામાન્ય સરવાળા-બાદબાકી માટે કે બે લીટીનો પત્ર લખવા માટે પણ તે અલ્ગોરિધમ પર નિર્ભર થઈ ગયો છે. લાખો વર્ષોના સંઘર્ષ પછી ધારદાર બનેલું માનવ મગજ હવે ડિજિટલ કાખઘોડીઓના સહારે લકવાગ્રસ્ત બની રહ્યું છે.

માનવ ઇતિહાસ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે વિજ્ઞાન અને સંશોધનની ગતિ હંમેશાં માનવ નિયંત્રણ અને સભાનતાના ચોકઠામાં બંધાયેલી રહી છે. પૈડાંની શોધથી લઈને વરાળ યંત્ર, પ્રિન્ટિંગ પ્રેસ, વીજળી, ટેલિફોન અને પર્સનલ કમ્પ્યુટર કે ઇન્ટરનેટ સુધીની સફર તરફ જોઈએ તો પ્રત્યેક નવી ક્રાંતિને પ્રયોગશાળાની ચાર દીવાલોમાંથી બહાર નીકળીને સામાન્ય માનવીના દૈનિક જીવનમાં ભળતાં દાયકાઓ, અને કેટલીક વાર તો સદીઓનો સમય લાગ્યો હતો. આ ધીમી પ્રક્રિયા પાછળ કુદરતી સુરક્ષા કવચ એ હતું કે સમાજ, કાયદાકીય તંત્ર અને માનવીય મગજને તે નવી શોધના સંભવિત જોખમો સમજવા, તેને પચાવવા અને તેના નિયમન માટે પૂરતો સમય મળી રહેતો હતો. માણસ હંમેશાં સાધનોનો માલિક રહ્યો હતો અને ટેકનોલોજી તેની સેવક બનીને રહી હતી.

બીજી તરફ છેલ્લા ગણતરીના વર્ષોમાં વિજ્ઞાન અને વિકાસના અંધાધૂંધ ઉન્માદમાં માનવજાતે એવા અદ્રશ્ય, અનિયંત્રિત અને સ્વાયત્ત તંત્રને મુક્ત કરી દીધું છે, જે આજે પોતાના જ જન્મદાતાને ભરખી જવા માટે તૈયાર છે. આ સંવેદનાહીન ટેકનોલોજીનું નામ છે - આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આજે દુનિયાભરમાં AIનો જે હદે આંધળો અને બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, તેણે વૈશ્વિક સભ્યતાને અસ્તિત્વના એવા ખતરનાક ત્રિભેટે લાવીને ઉભી કરી છે જ્યાંથી આગળ વિનાશ સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી.

ઉલ્લેખનીય છે કે સરકારોની વહીવટી પ્રક્રિયાઓ, નાણાકીય બજારો, શેરબજારના હાઈ-ફ્રિક્વન્સી ટ્રેડિંગ, અદાલતોમાં ચુકાદાઓના ડ્રાફ્ટિંગ, સરકારી નીતિ-નિર્માણ, શિક્ષણ પ્રણાલી, તબીબી નિદાન અને સૌથી ભયાનક રીતે વૈશ્વિક સૈન્ય સંરચનાઓમાં AIને સર્વોચ્ચ નિર્ણાયક સત્તા સોંપી દેવામાં આવી છે. માણસ પોતાની સુવિધા અને શોર્ટકટની લાલચમાં એટલો અંધ બની ગયો છે કે તેણે પોતાની બુદ્ધિ, વિવેક અને નૈતિકતાનું આખું તંત્ર સિલિકોન ચિપ્સ અને અલ્ગોરિધમના હવાલે કરી દીધું છે.

વર્ષ ૧૯૯૭માં જ્યારે આઈબીએમના 'ડીપ બ્લુ' કમ્પ્યુટરે વિશ્વ ચેસ ચેમ્પિયન ગેરી કાસ્પારોવને હરાવ્યો, ત્યારે દુનિયાને માત્ર આશ્ચર્ય થયું હતું, ભય નહોતો લાગ્યો, કારણ કે તે મશીન માત્ર ચોક્કસ નિયમો અને અગાઉથી નક્કી કરેલા પ્રોગ્રામ મુજબ જ કામ કરી શકતું હતું. પરંતુ અસલી વળાંક ૨૦૧૬માં આવ્યો જ્યારે ગૂગલ ડીપમાઇન્ડના 'આલ્ફાગો' પ્રોગ્રામે માનવ ઇતિહાસની સૌથી જટિલ અને અંતઃપ્રેરણા પર આધારિત ગણાતી 'ગો' રમતના વિશ્વ ચેમ્પિયન લી સેડોલને કારમો પરાજય આપ્યો. આલ્ફાગોએ રમત દરમિયાન ૩૭મી ચાલ એવી રમી હતી જે માનવ ઇતિહાસના હજારો વર્ષોના રેકોર્ડમાં કોઈ ખેલાડીએ ક્યારેય વિચારી પણ નહોતી. નિષ્ણાતો સ્તબ્ધ થઈ ગયા કારણ કે તે ચાલ કોઈ પૂર્વ-નિર્ધારિત પ્રોગ્રામિંગ નહોતું, પણ મશીને જાતે વિચારેલી નવી વ્યૂહરચના હતી. ત્યારબાદ આવેલું 'આલ્ફાઝીરો' તો તેનાથી પણ આગળ નીકળી ગયું.

જ્યારે ૨૦૨૨ના અંતમાં 'જનરેટિવ AI' અને લાર્જ લેંગ્વેજ મોડલ્સ (જેમ કે ચેટજીપીટી, ક્લાઉડ અને જેમિનાઈ) સામાન્ય લોકોના હાથમાં આવ્યા, ત્યારે AIએ માનવ ભાષા, સર્જનાત્મકતા અને નિર્ણય લેવાની ક્ષમતાને પણ અસર કરવાનું શરૂ કર્યું. આ તકનીકી વિકાસે માનવ જીવનના દરેક ક્ષેત્રમાં ઝડપથી પ્રવેશ કર્યો છે, પરંતુ તેની સાથે જ નૈતિક, સામાજિક અને અસ્તિત્વના પ્રશ્નો પણ ઉભા થયા છે.

આજે AI કેવી રીતે વિચારે છે તે વૈજ્ઞાનિકો પણ સંપૂર્ણપણે જાણતા નથી. આ અનિશ્ચિતતા જ સૌથી મોટો ચિંતાનો વિષય છે. AIનો ઉપયોગ માનવ સુખ અને પ્રગતિ માટે થાય તે માટે તેને નૈતિક ધોરણો, પારદર્શકતા અને જવાબદારીના ચોકઠામાં લાવવો જરૂરી છે. નહીંતર માનવ સભ્યતા માટે આ એક મોટું જોખમ બની શકે છે.