સત્ય. સાહસ. સંકલ્પ.

ગરબામાં AIનો દાખલો: એક જ ગ્રાઉન્ડમાં અનેક ગાયકોના આર્ટિફિશિયલ અવાજ

ગરબામાં AIનો દાખલો: એક જ ગ્રાઉન્ડમાં અનેક ગાયકોના આર્ટિફિશિયલ અવાજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે ગરબાના મેદાનોમાં પણ પ્રવેશ કરવાની તૈયારીમાં છે. AI ટેકનોલોજીની મદદથી ગરબાના બોલ, સંગીત અને ગાયકી જેવા અવાજો સરળતાથી બનાવી શકાય છે. ભવિષ્યમાં પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડમાં પણ AI આધારિત ગરબા ગુંજતા સંભળાઈ શકે છે. જોકે, કલાકારોના અવાજના કોપીરાઇટ અને લીગલ રાઇટ્સ મહત્વના બનશે. આનાથી નાના આયોજકોને સંગીત બનાવવામાં ફાયદો થશે, પરંતુ કલાકારોની રોજગારી પર અસર પડી શકે છે.

યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર હાલ AI આધારિત ગરબાનાં ગીતો તેમજ સંગીતના અનોખા પ્રયોગો જોવા મળી રહ્યા છે. હવે આ પ્રયોગો માત્ર વીડિયો કે મોબાઇલ સ્ક્રીન સુધી સીમિત ન રહેતાં, ગરબા પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડમાં પણ ગૂંજશે એ સમય બહુ દૂર નથી.

AI ટેક્નોલોજીની મદદથી ગરબાના બોલ (શબ્દો), સંગીત, ઢોલ-નગારાના તાલ અને કલાકારોની ગાયકી સહિતના અવાજ બનાવવા સરળ બન્યા છે. મહત્ત્વની વાત એ છે કે એક જ ગરબાને અલગ-અલગ કલાકારોના અવાજમાં રિ-ક્રિએટ કરવાની કે અવાજનું ક્લોનિંગ કરવાની ટેકનિક હવે સરળતાથી ઉપલબ્ધ છે. જો આ ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ શરૂ થશે, તો આગામી વર્ષોમાં ગરબા મહોત્સવોમાં સંગીતનું માળખું સંપૂર્ણપણે બદલાઈ જશે.

કલ્પના કરો કે એક જ ગરબો જુદા જુદા ગ્રાઉન્ડ પર અલગ-અલગ જાણીતા ગાયકોના અવાજમાં સંભળાય! AI આધારિત વોઇસ ક્લોનિંગ ટેક્નિકથી કોઈ પણ ગાયકના અવાજ જેવો જ કૃત્રિમ અવાજ તૈયાર કરી શકાય છે. તેનાથી એક જ ગીતની અનેક વર્ઝન બનાવવાની શક્યતા ઊભી થઈ છે.

જોકે, જાણીતા કલાકારોના અવાજનો વ્યાવસાયિક ઉપયોગ કરવા માટે તેમની સંમતિ, કોપીરાઇટ અને લીગલ રાઇટ્સ જેવા પ્રશ્નો અત્યંત મહત્ત્વના બનશે. ટેક્નોલોજી ઉપલબ્ધ હોવી અને તેને વ્યવહારિક રીતે ગ્રાઉન્ડ પર અમલમાં મૂકવી, એ બંને અલગ બાબતો છે.

ગુજરાતી ગરબામાં શબ્દો, ધૂન, ઢોલ-નગારાનો તાલ અને ગાયકીનું વિશેષ મહત્ત્વ રહેલું છે. AIની મદદથી આ તમામ તત્ત્વને જોડીને લોકસંગીતના અંદાજમાં નવી ધૂન અને નવા બોલ સાથેના ગરબા તૈયાર થઈ શકે છે. યુટ્યુબ પર હાલમાં AIથી ગીત બનાવવાની તાલીમ અને ગરબા પ્રચલિત બન્યા છે. પરંતુ, સમગ્ર રાત દરમિયાન રસરંગ જમાવી શકે તેટલી ક્ષમતા મેળવવી હજુ થોડી હાથવેંત દૂર છે. આમ છતાં, આ ટેક્નોલોજી નાના આયોજકો માટે સંગીત તૈયાર કરવાની પ્રક્રિયા અત્યંત સરળ અને આર્થિક રીતે ફાયદાકારક બનાવી શકે છે.

નિષ્ણાતોના મતે, નાના કાર્યક્રમો માટે AI આધારિત સંગીત ખર્ચ ઘટાડવાનો ઉત્તમ વિકલ્પ બની શકે છે. જોકે, મોટા ગરબા મહોત્સવોમાં જાણીતા ગાયકો, વાદકો અને કલાકારોની લાઈવ રજૂઆતનો ક્રેઝ હંમેશાં અકબંધ રહેશે. તેથી AI કલાકારોનું સ્થાન પૂરેપૂરું લઈ લેશે તેવું અત્યારે કહી શકાય નહીં.

બીજી તરફ, જો AI ગરબાનો વ્યાપ વધશે તો નાના કાર્યક્રમો પર નિર્ભર ગાયકો અને સંગીતકારોની રોજગારી પર અસર પડી શકે છે. આ ઉપરાંત AIનો ઉપયોગ કરીને નવું સંગીત બનાવનારા નવા યુગના સંગીત સર્જકો માટે નવી તકો પણ ઊભી થશે.