અમેરિકાના યુટાઉ રાજ્યમાં કૃત્રિમ બુદ્ધિ (AI) હવે ડોક્ટરની ભૂમિકા નિભાવવા લાગી છે. એક હેલ્થ કંપનીને ચોક્કસ દવાઓ લખવાની મંજૂરી મળી છે, જેના પગલે AI આપમેળે પ્રિસ્ક્રિપ્શન લખી આપશે. આ શરૂઆત ખીલ (એકને) જેવી ત્વચાની સામાન્ય બીમારી માટે કરવામાં આવી છે.
આ સિસ્ટમ દર્દીને લગતા પ્રશ્નો તૈયાર કરે છે, ત્યારબાદ દર્દીના ચહેરાનું ફેશિયલ સ્કેન કરે છે. સ્કેનના આધારે ડોક્ટરોની મર્યાદિત યાદીમાંથી સારવાર શોધીને પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે. કંપનીના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં આ સિસ્ટમને વધુ અદ્યતન તબક્કે લઈ જવાની યોજના છે.
યુટાઉમાં 1,00,000થી વધુ લોકો ખીલની દવા લઈ રહ્યા છે. સામાન્ય રીતે ડોક્ટરની એપોઈન્ટમેન્ટ માટે 61 દિવસની રાહ જોવી પડે છે. વધુ ચિંતાની વાત એ છે કે, રાજ્યની 11 કાઉન્ટીમાં ત્વચારોગ નિષ્ણાત (ડર્મેટોલોજિસ્ટ) જ નથી. આથી AI આ અછત અને લાંબા વેઈટિંગ ટાઈમને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.
જોકે, AI ડોક્ટરની ભૂમિકા કેટલી આગળ જઈ શકે, તે અંગે અમેરિકામાં ચર્ચા શરૂ થઈ છે. નિષ્ણાતોના મતે, AI દ્વારા લખાયેલા પ્રિસ્ક્રિપ્શનની ચોકસાઈ અને દર્દીની સલામતી ચકાસવી જરૂરી છે.