સત્ય. સાહસ. સંકલ્પ.

AI 2030 સુધીમાં માનવજાતિનો નાશ કરી શકે છે: એંથ્રોપિકના રિસર્ચર જેકોબ કોક્સની ચેતવણી

AI 2030 સુધીમાં માનવજાતિનો નાશ કરી શકે છે: એંથ્રોપિકના રિસર્ચર જેકોબ કોક્સની ચેતવણી

વોશિંગ્ટનથી મળતા અહેવાલો મુજબ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર સંશોધન કરી ચૂકેલા જેકોબ કોક્સને એંથ્રોપિક કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા સાથે જ તેમણે AIના ભયાનક ભવિષ્ય અંગે ગંભીર ચેતવણી આપી છે. તેમણે દાવો કર્યો છે કે 2030 સુધીમાં AI માનવજાતનો નાશ કરી શકે છે, અને AI કંપનીઓ આ ખતરાને જાણે છે.

ટોચની AI કંપની એંથ્રોપિકના રિસર્ચર જેકોબ કોક્સને ત્રણ વર્ષ સુધી કંપનીમાં કામ કર્યા બાદ રાજીનામું આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરાત કરી હતી કે તેમણે આજે કંપની છોડી દીધી છે. તેમણે કહ્યું કે તેમણે ઓપનએઆઈ અને એંથ્રોપિક બંને કંપનીમાં કામ કર્યું છે, પરંતુ AI કંપનીઓ જવાબદારીથી કામ નથી કરી રહી અને માનવીના જીવન સાથે ગેમ્બલિંગ કરી રહી છે.

વધુ વિગતો આપતા જેકોબે કહ્યું હતું કે ટૂંક સમયમાં એવી સુપરહ્યુમન સિસ્ટમ આવશે જે દુનિયાની કોઈ પણ સિસ્ટમને હેક કરી શકશે. તે કોઈ પણ ક્ષેત્રમાં ગમે ત્યારે ક્રાંતિ લાવી શકે છે અથવા તો શક્તિઓ અને ધરતીના સંસાધનો પર કબજો કરી શકે છે. તેમણે AI લેબ્સમાં કામ કરી રહેલા વૈજ્ઞાનિકોને પણ ચેતવણી આપી અને પરિસ્થિતિને ઓળખી જવાની વિનંતી કરી હતી.

જેકોબના આ દાવાને બાદમાં એંથ્રોપિક કંપનીએ પણ સમર્થન આપ્યું હતું. કંપનીના એલાઇનમેન્ટ સાઇન્સ લીડ ઇવાને કહ્યું હતું કે જેકોબ સાચી વાત કરી રહ્યા છે. AI તમામ માનવીનો ખાતમો કરી શકે છે તે વાતને અમે પણ સ્વીકારીએ છીએ. આવું થવાની શક્યતાઓ 10 ટકાથી પણ વધુ છે. જેકોબે અગાઉ કહ્યું હતું કે AI ટેક્નોલોજીની તાકાતને હળવાશથી ન લેશો, આ ટેક્નોલોજી સુપરહ્યુમન સિસ્ટમમાં ફેરવાઈ જશે અને કોઈ પણ સિસ્ટમને હેક કરી શકશે તથા કોઈ પણ ક્ષેત્રમાં રાતોરાત ફેરફારો કરી શકે છે.

દરમિયાન, AIના ખતરા વધી રહ્યા છે તેની સાથે હવે તેના પર પ્રતિબંધો પણ શરૂ થવા લાગ્યા છે. અમેરિકામાં ન્યૂયોર્કની તમામ સરકારી શાળાઓમાં AIના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરાઈ છે. AI સોફ્ટવેર બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે જોખમકારક સાબિત થઈ શકે છે તેને ધ્યાનમાં રાખીને પ્રતિબંધનો નિર્ણય લેવાયો છે. માત્ર હાઈસ્કૂલોમાં જ AIના ઉપયોગની છૂટ અપાશે, જોકે તેમાં પણ કેટલીક મર્યાદાઓ રખાશે. નાના બાળકો સ્કૂલમાં લેપટોપ, ટેબ્લેટ્સ વગેરેનો ઉપયોગ મર્યાદિત સમય માટે જ કરી શકશે. સ્કૂલોમાં કોઈ પણ પ્રકારના સ્ક્રીન ટાઇમની મર્યાદા 30 થી 45 મિનિટ સુધી જ રખાશે. AI પરના આ પ્રતિબંધો છ લાખ જેટલા વિદ્યાર્થીઓને આવરી લેશે.