હાલ AI ની નવી ટેકનોલોજી માણસોનું કામ સરળ બનાવવા માટે બનાવવામાં આવી હતી. તેને માનવજાતિ માટે સુરક્ષા કવચ ગણવામાં આવતું હતું. પણ હવે એ જ AI માનવજાતિ માટે સૌથી મોટો ખતરો બની શકે છે. આ વાત સાયન્સ ફિક્શન ફિલ્મની વાર્તા જેવી લાગે, પણ હકીકતમાં આજની સ્થિતિ છે. AI હવે આપેલા આદેશને અનુસરવાને બદલે પોતાના આદેશ પર કામ કરી રહ્યું છે. તાજેતરમાં એવી ઘટનાઓ સામે આવી છે જેમાં AI એ કમાન્ડ મળ્યા વગર કેટલાક સોફ્ટવેર કે વેબસાઇટ હેક કરી લીધા હતા. તેથી AI બનાવનારી અને તેના પર કામ કરનારી દિગ્ગજ કંપનીઓના CEO પણ ચિંતામાં છે.
યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલની બેઠકમાં Claude AI બનાવનારી કંપની એન્થ્રોપિકના CEO ડેરિયો એમોડેઇ, ChatGPT બનાવનારી કંપની OpenAI ના CEO સેમ ઓલ્ટમેન અને AI એજન્ટ તથા મશીન લર્નિંગ મોડલ્સ માટેના લોકપ્રિય ઓપન-સોર્સ પ્લેટફોર્મ Hugging Face ના સહ-સ્થાપક અને CEO ક્લેમેન્ટ ડેલાંગ પહોંચ્યા હતા. આ ત્રણેય ટેક મહારથીઓએ UN સિક્યોરિટી કાઉન્સિલના સભ્યોને AI ના વિકાસ પર વૈશ્વિક નિયમો-કાયદા બનાવવાની અપીલ કરી અને આવનારા જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી. ત્રણેયએ પોતપોતાની રીતે AI ની બેલગામ વિકાસની દોડથી વિશ્વ પર આવનારા જોખમો અંગે જાગૃત કર્યું.
સેમ ઓલ્ટમેનના જણાવ્યા અનુસાર AI થી હાલ બે પ્રકારના જોખમ છે. પહેલું જોખમ એ છે કે AI પરથી માણસનું નિયંત્રણ છૂટી રહ્યું છે. જે AI માણસે બનાવ્યું છે, તેના પર માણસનું નિયંત્રણ નહીં રહે. ઓલ્ટમેને કહ્યું કે હાલ AI ને જે માહિતી આપવામાં આવી રહી છે, તે તમામ માહિતી તે ઝડપથી શીખી રહ્યું છે. હવે એ સમય દૂર નથી કે તે ઓટોનોમસ એટલે કે સ્વયં સંચાલિત બની જાય. પછી તે માણસના નિર્દેશો પર નહીં, પણ પોતાના આદેશ પર ચાલશે. AI પરથી માણસનું નિયંત્રણ ગુમાવવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. બીજી ચિંતા એ છે કે AI ની તાકાત માત્ર કેટલાક લોકો સુધી સીમિત રહે. અર્થાત્ હાલ શક્તિશાળી AI એજન્ટ્સ માત્ર ગણ્યાગાંઠ્યા દેશો અને કંપનીઓના હાથમાં છે, જે સમગ્ર વિશ્વ માટે મોટું જોખમ છે. ઓલ્ટમેને ચેતવ્યું કે AI નો ઝડપી વિકાસ માણસનું ભવિષ્ય AI ના હાથમાં લઈ જશે.
એન્થ્રોપિકના CEO ડેરિયો એમોડેઇએ સેમ ઓલ્ટમેનની વાતને સમર્થન આપ્યું અને AI ની તાકાતને માનવજાતિના વિનાશના જોખમ સાથે જોડી. તેમણે કહ્યું કે હાલ AI થી બે જોખમો છે. સૌથી પહેલું જોખમ AI નો ખોટો ઉપયોગ છે. તેમણે ભય વ્યક્ત કર્યો કે જો AI એજન્ટ્સનું નિયંત્રણ આતંકવાદીઓ કે કટ્ટરવાદી સમૂહોના હાથમાં આવી જાય, તો તેની મદદથી જૈવિક શસ્ત્ર બનાવવાનો પ્રયાસ પણ થઈ શકે છે. ડેરિયોએ AI સિસ્ટમ પરથી નિયંત્રણ ગુમાવવાને માનવજાતિ માટે સૌથી મોટું જોખમ ગણાવ્યું છે.
Hugging Face ના સહ-સ્થાપક ક્લેમેન્ટ ડેલાંગે જણાવ્યું કે જો કોઈ દેશ પાસે અત્યંત શક્તિશાળી AI એજન્ટ આવી જાય, તો તે દેશ સમગ્ર દુનિયાને વિનાશમાં ધકેલી શકે છે.
AI બે પ્રકારના છે. પહેલો પ્રકાર AI ચેટબોટનો છે, જેનો સામાન્ય રીતે દરેક લોકો ઉપયોગ કરે છે. તે તમારા કામ પૂરા કરી દે છે – વાર્તા લખી દે છે, ટેબલ, ગ્રાફિક કે હોમવર્ક તૈયાર કરી દે છે. બીજો પ્રકાર AI એજન્ટનો છે, જેને તમે કોઈ કામ સોંપો તો તે તમને કંઈ જણાવતો નથી, પણ તે કામ પૂરું કરી દે છે. ઉદાહરણ તરીકે તમારે ટિકિટ બુક કરવી હોય તો તેને માહિતી આપો, તે કોઈપણ રીતે તમારી ટિકિટ બુક કરી દે છે. અસલી ખતરો આ AI એજન્ટનો છે.
તેનું તાજેતરનું ઉદાહરણ ઓસ્ટ્રેલિયા છે. ઓસ્ટ્રેલિયામાં એક AI એજન્ટે સરકારી વેબસાઇટ હેક કરી લીધી. આ માહિતી ખુદ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બનિસે ન્યૂયોર્કમાં પત્રકારોને આપી હતી. OpenAI ના AI એજન્ટે ઓસ્ટ્રેલિયાના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ સાથે જોડાયેલી મેડિકેર સ્ટેટિસ્ટિક્સ હેક કરી અને કેટલીક સંવેદનશીલ ફાઇલો સુધી પહોંચી ગયો.