સત્ય. સાહસ. સંકલ્પ.

AI થી કેન્સરની દવા 15 વર્ષને બદલે મહિનાઓમાં બનશે: આર્મ સીઈઓનો દાવો

AI થી કેન્સરની દવા 15 વર્ષને બદલે મહિનાઓમાં બનશે: આર્મ સીઈઓનો દાવો

લંડન: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી આપણા જીવનકાળ દરમિયાન કેન્સર જેવી ગંભીર બીમારીનો ઇલાજ શોધી કાઢશે. આવો દાવો યુકે સ્થિત ચિપ ડિઝાઇનિંગ કંપની આર્મના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રેને હાસે કર્યો છે. હાસ ફાર્મા ક્ષેત્રના જાણકાર છે અને 2026ની શરૂઆતમાં તેમણે ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાના બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું. તેમની કંપની આર્મને સોશિયલ મીડિયા કંપની મેટાએ કસ્ટમ ચિપ બનાવવાની વિનંતી કરી હતી.

રેને હાસે જણાવ્યું કે, કેન્સરના ડીએનએ માર્કર અને માનવ કોષો પર થતી અસરોની જટિલતા સમજવી હાલના માનવીઓ કે સુપરકમ્પ્યુટર્સ માટે અત્યંત મુશ્કેલ છે. પરંતુ જેમ જેમ AI મોડેલ્સમાં વધુ ડેટા ઉમેરાશે અને AI પાવર્ડ કમ્પ્યુટર્સ વધુ શક્તિશાળી બનશે, તેમ AI આ જટિલ સમસ્યાનો ઉકેલ શોધી લેશે.

સામાન્ય રીતે નવી કેન્સરની દવા ડેવલપ કરવા અને તેનું ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરવામાં 10થી 15 વર્ષ લાગે છે. AI મોડેલ્સ કરોડો મોલેક્યુલ્સનું વર્ચ્યુઅલ સિમ્યુલેશન કરીને દવા શોધવાનો અને તેના પરીક્ષણનો ગાળો ઘટાડી દેશે. AI એવો કેન્સરનો ઇલાજ શોધશે જે માણસ માટે શોધવો શક્ય નહોતો.

AI દ્વારા કેન્સરના ઇલાજ અંગે દાવો કરનાર રેને હાસ એકમાત્ર ટેક લીડર નથી. ઓરેકલના લેરી એલિસને કહ્યું હતું કે, AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી માત્ર 48 કલાકમાં કેન્સરની વેક્સિન બનાવી શકાશે. ઓપનએઆઈના સેમ ઓલ્ટમેને કહ્યું હતું કે, પૂરતું કમ્પ્યુટિંગ પાવર મળે તો AI કેન્સર મટાડવાનો રસ્તો શોધી શકે છે.