ન્યૂ યોર્ક: મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના પ્રારંભિક નિદાન અને સારવારમાં એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. ન્યૂ યોર્ક યુનિવર્સિટી (NYU) અને તેના પર્લમટર કેન્સર સેન્ટરના સંશોધકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત એક નવું ટૂલ વિકસાવ્યું છે. આ ટૂલ મહિલાઓના જૂના અને તાજેતરના 3D મેમોગ્રામ સ્કેનનું વિશ્લેષણ કરીને આગામી પાંચ વર્ષમાં બ્રેસ્ટ કેન્સર થવાના જોખમની સચોટ આગાહી કરી શકે છે.
પ્રસિદ્ધ તબીબી જર્નલ 'અમેરિકન જર્નલ ઓફ રોએન્ટજેનોલોજી'માં પ્રકાશિત આ અભ્યાસ દર્શાવે છે કે દર્દીના ક્રમિક (લોન્ગીટ્યુડિનલ) 3D મેમોગ્રામ સ્કેનનું મૂલ્યાંકન કરતી આ નવી સિસ્ટમ સિંગલ મેમોગ્રામ કે પરંપરાગત કેલ્ક્યુલેટર પદ્ધતિઓ કરતાં વધુ સચોટ પરિણામ આપે છે.
NYU-ડીઆરપી નામનું આ ડીપ-લર્નિંગ AI મોડલ 2016 થી 2020 વચ્ચે 1,61,165 મહિલાઓના 3,13,531 વાર્ષિક 3D મેમોગ્રામના ડેટાબેઝના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.
પરંપરાગત ટૂલ્સ માત્ર દર્દીની ઉંમર, જિનેટિક હિસ્ટ્રી કે ફેમિલી હિસ્ટ્રી પર આધાર રાખે છે. જ્યારે આ AI મોડલ સમય સાથે બ્રેસ્ટ ટિશ્યુમાં થતા સૂક્ષ્મ ફેરફારોને ટ્રેક કરે છે. આ સંશોધનમાં ટિશ્યુ ડેન્સિટી અંગે પણ મહત્વની માહિતી સામે આવી છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે વધુ ડેન્સિટી ધરાવતી મહિલાઓમાં કેન્સરનું જોખમ હંમેશા ઊંચું હોય છે, પરંતુ AIએ આ નિયમને ખોટો ગણાવ્યો છે.
આ ટેકનોલોજીની મદદથી ડોકટરો વાસ્તવિક જોખમના આધારે આગળના ટેસ્ટ સૂચવી શકશે, જેથી બિનજરૂરી અને ખર્ચાળ ટેસ્ટમાંથી મુક્તિ મળશે.