સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ક્રિએટરે દાવો કર્યો છે કે તેણે ફક્ત એક સૂચન (પ્રોમ્પ્ટ) આપ્યું અને AIએ મુંબઈથી રાજકોટની ટ્રેન ટિકિટ બુક કરવાની પ્રક્રિયા લગભગ પૂરી કરી દીધી. આ વીડિયો OpenAIના GPT-6 Astra સાથેનો હોવાનું ક્રિએટરે જણાવ્યું છે.
ક્રિએટર મંથન જેઠવાણીએ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે IRCTC સરકારી વેબસાઇટ હોવાથી તેમને શંકા હતી કે AI ખરેખર ટિકિટ બુક કરી શકશે કે નહીં. તેથી તેમણે જાતે આ વાત ચકાસવાનું નક્કી કર્યું.
તેમણે ChatGPT Astra ખોલીને લખ્યું, “મારે 20 સપ્ટેમ્બરે રાત્રે 9 થી 11 વાગ્યા વચ્ચે મુંબઈથી રાજકોટ જવા બે લોકો માટે AC ટ્રેન ટિકિટ બુક કરવી છે, બ્રાઉઝરનો ઉપયોગ કરો.”
ત્યારબાદ AIએ પોતાની મેળે બુકિંગ પ્રક્રિયા આગળ વધારી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. AIએ ઉપડવાના અને પહોંચવાના સ્ટેશન પસંદ કર્યા, મુસાફરીની તારીખ અને સમયની વિગતો ઉમેરી, ઉપલબ્ધ ટ્રેનો શોધી અને વિકલ્પોમાં ટિકિટની ઉપલબ્ધતા ચકાસી.
એક વિકલ્પ વેટિંગ લિસ્ટમાં હોવાનું જણાવાયું છે. ત્યારબાદ ChatGPTએ પૂછ્યું કે આગળ કેવી રીતે વધવું છે, જેના પર ક્રિએટરે પછીના દિવસ માટેની ટિકિટ શોધવાનો નિર્દેશ આપ્યો.
ક્રિએટરે કહ્યું, “મારે ફક્ત પેમેન્ટ કરવાનું જ બાકી રહી ગયું હતું.” તેમણે જણાવ્યું કે ટ્રેન સર્ચ કરવા, ટ્રેન પસંદ કરવા અને જરૂરી ફોર્મ ભરવા જેવા મોટાભાગના કામ AIએ જાતે કરી દીધા.
આ ડેમોએ ઓનલાઇન ચર્ચા શરૂ કરી છે કે શું આવી ક્ષમતાઓ રોજિંદા ડિજિટલ કામોના ઓટોમેશનમાં મોટો ફેરફાર લાવશે. એક યુઝરે ટિપ્પણી કરી, “આને તત્કાલમાં અજમાવી જુઓ, ત્યારે હું માનીશ કે AI આપણા બધાનું સ્થાન લઈ લેશે.” આ ટિપ્પણી IRCTCની અત્યંત સ્પર્ધાત્મક ‘તત્કાલ’ ટિકિટ-બુકિંગ સિસ્ટમને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જ્યાં ટિકિટો થોડી જ મિનિટોમાં વેચાઈ જાય છે. અન્ય એક યુઝરે સૂચન કર્યું કે, “આને એક રિઝ્યુમે આપો અને આના દ્વારા અસલી નોકરીઓ માટે અપ્લાય કરવાની કોશિયત કરો.”
આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, પરંતુ આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. IRCTCની ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં વપરાશકર્તાની મંજૂરી, પેમેન્ટ અને અન્ય સુરક્ષા પગલાં જરૂરી છે, તેથી AI દ્વારા સંપૂર્ણ સ્વચાલિત બુકિંગની મર્યાદાઓ પણ ધ્યાનમાં લેવી જરૂરી છે.