સત્ય. સાહસ. સંકલ્પ.

બેંક ખાતામાં AI એજન્ટ્સની ઘૂસણખોરી: અમેરિકન બેંકોએ થર્ડ-પાર્ટી AI પર પ્રતિબંધ મૂક્યો

બેંક ખાતામાં AI એજન્ટ્સની ઘૂસણખોરી: અમેરિકન બેંકોએ થર્ડ-પાર્ટી AI પર પ્રતિબંધ મૂક્યો

અમેરિકાની મોટી બેંકોને હવે એક નવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રાહકોના બેંક ખાતામાં થર્ડ-પાર્ટી AI એજન્ટ્સ એટલે કે સ્માર્ટ બોટ્સ ઘૂસણખોરી કરી રહ્યા છે. આ બોટ્સ ગ્રાહકોની પરવાનગી વિના તેમના વતી લોગિન કરે છે અને નાણાકીય નિર્ણયો પણ લે છે, જે બેંકના નિયમોની વિરુદ્ધ છે.

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મોર્ગન સ્ટેનલી, બેંક ઓફ અમેરિકા અને સિટી જેવી બેંકોએ તેમની સિસ્ટમમાં થર્ડ-પાર્ટી AI એજન્ટ્સની ઘૂસણખોરી પકડી પાડી. એક અહેવાલ મુજબ, ઘણી વાર ગ્રાહકો પોતાના બેંક ખાતાનું યુઝરનેમ અને પાસવર્ડ કોઈ AI એજન્ટ કે થર્ડ-પાર્ટી એપને આપી દે છે, જેથી તે તેમના વતી બિલ ચૂકવી શકે અથવા પૈસાનું મેનેજમેન્ટ કરી શકે. પરંતુ આ બેંકના નિયમોની વિરુદ્ધ છે, કારણ કે બેંકો કહે છે કે ખાતાધારકે પોતે જ લોગિન કરવું જોઈએ.

કેટલાક કિસ્સાઓમાં એવું પણ જોવા મળ્યું છે કે આ સ્માર્ટ બોટ્સ ગ્રાહકોની કોઈ સૂચના વિના સીધા બેંકના કોલ સેન્ટરનો સંપર્ક કરે છે. બેંકોને ચિંતા છે કે જો કોઈ AI એજન્ટ ખોટી દિશામાં કામ કરે તો ગ્રાહકોની કમાણી પળવારમાં ખતમ થઈ શકે છે.

એક બેંક અધિકારીએ જણાવ્યું કે બેંકોને અલગ-અલગ AI એજન્ટ્સ વચ્ચેનો તફાવત સમજવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત, એ ઓળખવું પણ કપરું છે કે કોઈ ચોક્કસ એજન્ટને યુઝરે ખરેખર અધિકૃત કર્યો છે કે તેણે જાતે જ ગ્રાહકના ખાતામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી છે.

આ જોખમથી બચવા માટે અમેરિકન બેંકોએ કડક પગલાં લીધા છે:

  • મોર્ગન સ્ટેનલી અને જેપી મોર્ગન જેવી બેંકોએ તેમના પ્લેટફોર્મ પર થર્ડ-પાર્ટી AI એજન્ટોની એન્ટ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.
  • બેંકોએ ગ્રાહકોને ચેતવણી આપી છે કે તેઓ પોતાના યુઝરનેમ અને પાસવર્ડ કોઈપણ થર્ડ-પાર્ટી એપ કે AI એજન્ટ સાથે શેર ન કરે.
  • બેંકો અને કંપનીઓ હવે ખાસ ટેકનોલોજીની મદદથી તપાસ કરશે કે લોગિન વખતે સ્ક્રીન પાછળ માણસ બેઠો છે કે AI બોટ કામ કરી રહ્યો છે.