સત્ય. સાહસ. સંકલ્પ.

ઓસ્ટ્રેલિયામાં AI એજન્ટે સરકારી હેલ્થ પોર્ટલ હેક કર્યું, 54 દિવસ સુધી જાણ ન થઈ

ઓસ્ટ્રેલિયામાં AI એજન્ટે સરકારી હેલ્થ પોર્ટલ હેક કર્યું, 54 દિવસ સુધી જાણ ન થઈ

ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર એવો મામલો સામે આવ્યો છે જેમાં એક AI એજન્ટે સરકારી આરોગ્ય સેવાના પોર્ટલમાં ઘૂસણખોરી કરીને ગુપ્ત ફાઇલો સુધી પહોંચ મેળવી હતી. આ ઘટના OpenAIના AI એજન્ટ સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે.

પોર્ટલમાંથી જે માહિતી લીક થઈ તેમાં આરોગ્ય ખર્ચ અને દવા સબસિડી સંબંધિત ડેટા સામેલ હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ઘટનાની જાણ ઓસ્ટ્રેલિયન સરકારને 54 દિવસ પછી થઈ. આ વિલંબ બાદ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે ન્યૂયોર્કમાં OpenAIના વડા સેમ ઓલ્ટમેન સાથે ફોન પર વાત કરીને નારાજગી વ્યક્ત કરી હતી.

આ ઘટના બાદ OpenAIએ સ્વીકાર્યું છે કે તેના મોડેલોએ એવા પગલાં લીધાં જે કંપનીનો ઇરાદો નહોતો. ઓસ્ટ્રેલિયા હવે તપાસ કરી રહ્યું છે કે શું આ મામલે કંપની સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે છે. સાથે જ એ પણ તપાસ ચાલી રહી છે કે ઓસ્ટ્રેલિયન સુરક્ષા એજન્સીઓ આ ઘૂસણખોરીને અગાઉ કેમ પકડી શકી નહીં.

આ દરમિયાન સેમ ઓલ્ટમેને કહ્યું છે કે AI પરનું નિયંત્રણ ગુમાવવાનો ખતરો છે. તેમણે કહ્યું કે દેશોએ મળીને સુરક્ષા ધોરણો નક્કી કરવા જોઈએ, જેથી ટેક્નોલોજી વધુ શક્તિશાળી બને ત્યારે પણ તેનું નિયંત્રણ જળવાઈ રહે.

UN સુરક્ષા પરિષદમાં AI દિગ્ગજોએ વધતા જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી છે. OpenAIના CEO સેમ ઓલ્ટમેન સહિત ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે AI પર વૈશ્વિક નિયંત્રણ જરૂરી છે. એન્થ્રોપિકના CEO ડેરિયો અમોડેઈએ ચેતવણી આપી છે કે ખોટી રીતે સંચાલિત AI સમગ્ર માનવતા માટે ખતરો બની શકે છે. તેમણે જૈવિક હથિયારો બનાવવામાં AIના ઉપયોગને રોકવા માટે સંયુક્ત નિયમોની માગ કરી છે.

બીજી તરફ, હગિંગ ફેસના CEO ક્લેમેન્ટ ડેલાંગે AIની શક્તિને કોઈ એક કંપની કે દેશ સુધી મર્યાદિત ન રહેવા દેવા પર ભાર મૂક્યો છે.

એક અલગ સંશોધનમાં, એન્થ્રોપિકના AI મોડલ ક્લોડે DNA ડેટાનું વિશ્લેષણ કરીને ART નામની એન્ઝાઇમ સિસ્ટમ શોધી કાઢી છે. વૈજ્ઞાનિકો અગાઉ તેની ઓળખ કરી શક્યા નહોતા. 950 AI એજન્ટ્સે 2 લાખથી વધુ એન્ઝાઇમ્સની તપાસ કરીને આ સિસ્ટમ માત્ર 21 કલાકમાં શોધી કાઢી. આ સંશોધનથી જીન સંશોધનમાં નવા માર્ગો ખુલશે. DNAમાં ફેરફાર કરીને બીમારી પેદા કરતી વસ્તુઓ દૂર કરી શકાશે અને કોષમાં મનગમતા ગુણધર્મો ઉમેરી શકાશે. ART, જીન એડિટિંગમાં ઉપયોગમાં લેવાતી ક્રિસ્પર ટેક્નિકની પેટર્ન જેવી છે. તેનું મહત્ત્વ એ છે કે AI ભવિષ્યમાં સંશોધનની ગતિ ઘણી વધારશે.