સત્ય. સાહસ. સંકલ્પ.

યુવાનોમાં ઉંઘની ગોળીનો નશો વધ્યો: લાલ પરી, ચિલપિલ કોડવર્ડથી વેચાણ, અમદાવાદમાં સૌથી વધુ

યુવાનોમાં ઉંઘની ગોળીનો નશો વધ્યો: લાલ પરી, ચિલપિલ કોડવર્ડથી વેચાણ, અમદાવાદમાં સૌથી વધુ

અમદાવાદમાં 16થી 20 વર્ષના યુવાનો ઉંઘની ગોળી અને પેઈન કિલર ટેબ્લેટનો નશા માટે ઉપયોગ કરી રહ્યા છે. પોલીસે ચરસ, ગાંજો, એમડી ડ્રગ્સ અને નશાકારક કફ સિરપ પર ભીંસ વધારી છે, જેના કારણે યુવાનોએ નશાના નવા રસ્તા શોધી કાઢ્યા છે.

એક સૂત્રના જણાવ્યા અનુસાર, આ ટેબ્લેટ અને કેપ્સ્યુલ કોડવર્ડમાં વેચાય છે. લાલ પરી, કેન્ડી, રિટ્રો પાન્ડા, થેનોસ, બેન્ઝોસ, ચિલપિલ, ડાઉનર્સ, ટેન્કર્સ જેવા કોડવર્ડનો ઉપયોગ થાય છે. આ દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મળવી નહીં જોઈએ, પણ અમદાવાદના ગોમતીપુર, દરિયાપુર, રખિયાલ, સરખેજ, જુહાપુરા, મેમનગર, બાપુનગર, દાણીલીમડા જેવા વિસ્તારોમાં લુઝ પેકિંગમાં વેચાય છે. એક ગોળી 50થી 200 રૂપિયા સુધીમાં વેચાય છે, જ્યારે આખી સ્ટ્રીપનો ભાવ 247 રૂપિયા હોય છે.

નારોલ પોલીસે તાજેતરમાં નાસિર પઠાણ ઉર્ફે સંજય માનસિકની ધરપકડ કરી હતી. તેની પાસેથી એમડી ડ્રગ્સ, ગાંજો અને નશાકારક ટેબ્લેટ મળી આવ્યા હતા, જેમાં 300 નંગ અલ્પ્રાઝોલામ અને 350 નંગ પ્રિગાલેબ ટેબ્લેટનો સમાવેશ થાય છે. અમદાવાદ ઝોન-6ના ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું કે આરોપી પાસેથી મોટો જથ્થો મળ્યો છે.

ગુજરાત એટીએસએ 25 જૂને શાહીબાગમાં નમસ્તે સર્કલ પાસે ટ્રાવેલ્સ બસમાંથી પણ આવી દવાઓ પકડી હતી. પોલીસ માટે સપ્લાય ચેઈન તોડવી પડકારરૂપ છે. આ દવાઓના નશા માટે 16થી 20 વર્ષના યુવાનો સૌથી વધુ સંખ્યામાં છે, જ્યારે 30થી 35 વર્ષના લોકો દારૂ સાથે મિક્સ કરીને લે છે.