સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: નવરાત્રિ પહેલાં YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો બ્રિજ નીચેનો રસ્તો ખૂલવાની શક્યતા, 15-20 મિનિટ બચશે

અમદાવાદ: નવરાત્રિ પહેલાં YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો બ્રિજ નીચેનો રસ્તો ખૂલવાની શક્યતા, 15-20 મિનિટ બચશે

અમદાવાદના SG હાઈવે પર YMCA ક્રોસ રોડથી કર્ણાવતી ક્લબ સુધીનો ઓવરબ્રિજ નીચેનો રસ્તો નવરાત્રિ પહેલાં વાહનવ્યવહાર માટે ખૂલી શકે છે. NHAI દ્વારા આ રસ્તા પર રિસરફેસિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નવરાત્રિ પહેલાં YMCA ક્રોસ રોડથી પ્રહલાદનગર થઈને કર્ણાવતી જવા માટેનો બ્રિજ નીચેનો રસ્તો ખૂલવાની પૂરેપૂરી શક્યતા છે. થોડા દિવસો પહેલાં ટ્રાફિક JCPએ NHAIના અધિકારીઓને સ્થળ પર જઈને સૂચના આપી હતી કે કર્ણાવતીથી સરખેજ બ્રિજનું કામ વહેલામાં વહેલું એક મહિનામાં પૂરું કરવામાં આવે અને નીચેના રસ્તા પર પડેલા ખાડા તાત્કાલિક પૂરી દેવામાં આવે.

આ રસ્તો ખૂલતાં વાહનચાલકોને મોટી રાહત મળશે. અત્યારે YMCA ક્રોસ રોડથી કર્ણાવતી ચાર રસ્તા સુધી જવા માટે ભગવાન સર્કલ અને ઝવેરી સર્કલ થઈને લગભગ 3 કિલોમીટર લાંબો ડાયવર્ઝન લેવો પડે છે, જેમાં 15થી 20 મિનિટનો સમય બગડે છે. નવો રસ્તો ખૂલતાં YMCAથી સીધા પ્રહલાદનગર ક્રોસ રોડ અને ત્યાંથી કર્ણાવતી ક્રોસ રોડ જઈ શકાશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં બ્રિજ નીચેના રસ્તા પર પડેલા ખાડા કામચલાઉ ધોરણે પૂરવામાં આવ્યા છે. નવો સર્વિસ રોડ તૈયાર કરીને ટ્રાફિક ત્યાં ડાયવર્ટ કર્યા બાદ ખાડાવાળી જગ્યાએ પેવર બ્લોક અને ડામરથી વ્યવસ્થિત કામ કરવામાં આવશે. બ્રિજ નીચેના રસ્તા પર રિસરફેસિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં પૂર્ણ થતાં જ આખો રસ્તો ખૂલી શકે છે.

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2025થી બ્રિજના કામને કારણે YMCA ક્રોસ રોડથી કર્ણાવતી તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ત્યારથી વાહનચાલકોએ ડાયવર્ઝન લેવું પડતું હતું.

કર્ણાવતી-સરખેજ બ્રિજનું કામ 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા NHAIને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ગત 26 સપ્ટેમ્બરે અમદાવાદ પોલીસ કમિશનરે ગુજરાત સમાચાર ડિજિટલને જણાવ્યું હતું કે, 'અમે અમદાવાદ શહેરના તમામ બ્રિજના કામ, પડેલા ખાડા અને રસ્તાઓની વર્તમાન સ્થિતિની વિગતવાર સમીક્ષા કરી રહ્યા છીએ. કર્ણાવતીથી સરખેજ તરફના બ્રિજ અંગે મારી સૂચનાથી અમારા અધિકારીઓએ NHAIના અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં 31 ઓક્ટોબર સુધીમાં બ્રિજનું નિર્માણ કાર્ય પૂરું કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. બ્રિજના નિર્માણમાં ઘણી ટેકનિકલ બાબતો સામેલ હોવાથી અમે તેમાં કોઈ ઉતાવળ નહીં કરીએ, પરંતુ બ્રિજ નીચે પડેલા ખાડા પૂરવાનું અને રસ્તાના સમારકામનું કામ અત્યારથી જ શરૂ કરી દેવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.'

ચોમાસું પૂરું થઈ ગયું હોવાથી નીચેના રસ્તાઓનું સમારકામ તાત્કાલિક શરૂ થઈ શકે તેમ છે.