સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: અપંગ પતિની બીમારીનો લાભ લઈ જેઠે કરી અશ્લીલ માંગણી, પતિના નિધન બાદ મહિલાએ નોંધાવી ફરિયાદ

અમદાવાદ: અપંગ પતિની બીમારીનો લાભ લઈ જેઠે કરી અશ્લીલ માંગણી, પતિના નિધન બાદ મહિલાએ નોંધાવી ફરિયાદ

અમદાવાદના નરોડા રોડ વિસ્તારમાં 34 વર્ષીય એક મહિલાએ તેના જેઠ અને જેઠાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે, મહિલાના પતિ પેરાલિસિસથી પથારીવશ હતા તે દરમિયાન જેઠે તેની પાસે શારીરિક સંબંધની માંગણી કરી હતી અને અવારનવાર હેરાન કરતો હતો.

ફરિયાદ મુજબ, મહિલાએ 2016માં લવ મેરેજ કર્યા હતા અને તેમને એક દીકરો છે. છેલ્લા દોઢેક વર્ષથી તેમના પતિ પેરાલિસિસના કારણે પથારીવશ હતા. સપ્ટેમ્બર 2025માં એક સવારે મહિલા ઘરે હાજર હતી ત્યારે જેઠે તેની પાસે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી હતી. તેણે કહ્યું હતું કે, 'તારો પતિ હવે અપંગ થઈ ગયો છે, તેથી હું તને શારીરિક સુખ અને પૈસા આપીને ખુશ રાખીશ.'

આ ઘટના બાદ પણ જેઠે ઘરમાં અને ફળિયામાં ગંદા ઈશારા કરીને મહિલાને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. મહિલાએ આ અંગે તેની જેઠાણીને જાણ કરતાં જેઠાણી ઉશ્કેરાઈ ગઈ હતી. તેણે મહિલાને બિભત્સ ગાળો ભાંડી હતી અને ચરિત્રહીન કહી હતી. સાથે જ ધમકી આપી હતી કે, જો તે આ અંગે કોઈને કહેશે કે પોલીસ ફરિયાદ કરશે તો તેના હાથ-પગ તોડીને સિવિલ હોસ્પિટલ ભેગી કરી દેશે.

આ ધમકીઓ બાદ મહિલાએ પોતાના પતિને જાણ કરી હતી અને શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી. પરંતુ તે સમયે તેમના પતિની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હોવાથી તેઓ રૂબરૂ ફરિયાદ નોંધાવી શક્યા ન હતા.

ગત 11 સપ્ટેમ્બરના રોજ સારવાર દરમિયાન મહિલાના પતિનું અવસાન થયું હતું. મરણવિધિ પૂર્ણ કર્યા બાદ મહિલાએ તેના જેઠ અને જેઠાણી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.