સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: પતિએ છુપાવીને ત્રીજા લગ્ન કરતાં મહિલાની ઘરેલુ હિંસાની ફરિયાદ, કોર્ટે નોટિસ મોકલી

અમદાવાદ: પતિએ છુપાવીને ત્રીજા લગ્ન કરતાં મહિલાની ઘરેલુ હિંસાની ફરિયાદ, કોર્ટે નોટિસ મોકલી

અમદાવાદમાં એક મહિલાએ પોતાના પતિ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ કરી છે. આરોપ છે કે પતિએ તેને અંધારામાં રાખીને ત્રીજા લગ્ન કરી લીધા છે. અમદાવાદ શહેરની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં મહિલાએ આ ફરિયાદ નોંધાવી છે.

મહિલા મૂળ હિન્દુ ધર્મની છે, જેણે 14 વર્ષના પ્રેમ સંબંધ બાદ ધર્મ પરિવર્તન કરીને નિકાહ કર્યા હતા. આરોપી પતિનું નામ ઝુબેર કુચેરાવાલા છે. કોર્ટે તેમજ તેના માતા-પિતા, પ્રથમ પત્ની અને બીજી પત્ની વિરુદ્ધ નોટિસ ફટકારી છે. મહિલાએ માસિક રૂ. 1 લાખ ભરણપોષણની માંગ કરી છે. આ કેસની આગામી સુનાવણી 25 સપ્ટેમ્બરના રોજ થશે.

મહિલાના કહેવા મુજબ, ડિસેમ્બર 2012માં તેની ઝુબેર સાથે ફોન પર ઓળખાણ થઈ અને પછી બંને વચ્ચે પ્રેમ થયો. ઝુબેર તે સમયે પરણિત હતો, પણ તેણે મહિલાને કહ્યું કે હું મારી પત્નીને પ્રેમ કરતો નથી, તારી સાથે નિકાહ કરવા માંગુ છું. ઇસ્લામમાં ચાર લગ્નની છૂટ છે.

મહિલાએ શરૂઆતમાં ના પાડી હતી, પણ ઝુબેરના દબાણ બાદ તેણે ડિસેમ્બર 2016માં ધર્મ પરિવર્તન કરી નિકાહ કર્યા. ઝુબેરે તેને વચન આપ્યું હતું કે તેને પત્ની તરીકે સ્વીકારશે, મકાન અપાવશે અને જરૂરિયાતો પૂરી કરશે.

પરંતુ નિકાહ બાદ ઝુબેરે કોઈ કાગળ અથવા પુરાવો આપ્યો નહીં. તે મહિલાને અલગ-અલગ જગ્યાએ લઈ જઈને શારીરિક સંબંધ બાંધતો હતો, જેના કારણે મહિલાને બે વાર ગર્ભપાત કરાવવો પડ્યો. તેણે મહિલાને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું અને ત્રીજા લગ્ન કરી લીધા.

હવે મહિલા પોતાને નિરાધાર માને છે અને પતિ પાસેથી રૂ. 1 લાખ માસિક ભરણપોષણની માંગ કરી છે. તેણે સંયુક્ત કુટુંબમાં રહેવાનો અને ઘર ખાલી ન કરાવવાનો પણ આદેશ માંગ્યો છે. કોર્ટે આ મામલે નોટિસ ફટકારીને પક્ષકારોને બોલાવ્યા છે.