અમદાવાદના ગૌમતીપુર વિસ્તારમાં રહેતી મહિલા કોન્સ્ટેબલ સાથે છેતરપિંડી અને દુષ્કર્મનો ગંભીર બનાવ બહાર આવ્યો છે. પાટણના કુંભરમઢના મુલ્લાવાડમાં રહેતા માજીદખાન ચૌહાણે મહિલા કોન્સ્ટેબલને પ્રેમજાળમાં ફસાવી તેની પાસેથી રૂપિયા 17 લાખ પડાવ્યા હોવાનો આરોપ છે. આરોપી પરિણીત છે અને એક બાળકનો પિતા છે.
પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલની ઓળખાણ SRP જવાન દ્વારા માજીદખાન સાથે કરાવવામાં આવી હતી. આરોપીએ પોતાને શેરબજાર ટ્રેડિંગમાં નિપુણ ગણાવી મહિલાને રોકાણ કરવાની લાલચ આપી હતી. તેણે 65 જેટલા પોલીસ કર્મચારીઓના પૈસા રોક્યા હોવાનો દાવો પણ કર્યો હતો.
આરોપીએ મહિલાને કહ્યું હતું કે, "તું મારી ગર્લફ્રેન્ડ બની જા, હું તારી બધી જરૂરિયાત પૂરી કરીશ." શરૂઆતમાં મહિલાએ તેની વાત નકારી કાઢી હતી, પરંતુ બાદમાં માજીદખાને તેને રોકાણ માટે સમજાવી અને તેના મોબાઈલમાં ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 6 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું.
મહિલા કોન્સ્ટેબલે ક્રેડિટ કાર્ડ લોન અને બેંકમાંથી પૈસા ઉપાડીને માજીદખાનને ટુકડે ટુકડે કુલ 17 લાખ રૂપિયા આપ્યા હતા. આરોપીએ મહિલાને નોકરી છોડી દેવાનું કહી, લગ્ન કરવાની લાલચ આપી હતી. તેણે મહિલાને તેનો હિંદુ ધર્મ છોડીને ઇસ્લામ અપનાવવાનું દબાણ કર્યું હતું, એવું કહીને કે "તમારા હિંદુ ધર્મમાં સ્ત્રીઓનું સન્માન નથી, અમારો મુસ્લિમ ધર્મ પવિત્ર છે."
આરોપીએ અવાવરૂં જગ્યાએ કારમાં અને ઘરે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેણે લગ્ન અને વિદેશ જવાની લાલચ આપીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે મહિલાએ તેની સાથે ફરવા જવાની ના પાડી ત્યારે આરોપીએ જાતિવિષયક શબ્દો બોલીને તેનો ફોન તોડી નાખ્યો હતો.
મહિલાએ અવારનવાર ફોન કરવા છતાં માજીદખાને જવાબ ન આપતાં તેણે પાટણમાં તેના ઘરે જઈને પૂછપરછ કરી હતી, જ્યાં તે પરિણીત હોવાનું અને એક બાળકનો પિતા હોવાનું બહાર આવ્યું હતું. આથી મહિલા કોન્સ્ટેબલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે માજીદખાન ચૌહાણ સામે ગુનો દાખલ કર્યો છે.