સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: મહિલા કોન્સ્ટેબલ સાથે ₹17 લાખની છેતરપિંડી, લગ્નની લાલચ આપી શારીરિક શોષણનો આરોપ

અમદાવાદ: મહિલા કોન્સ્ટેબલ સાથે ₹17 લાખની છેતરપિંડી, લગ્નની લાલચ આપી શારીરિક શોષણનો આરોપ

અમદાવાદમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે કથિત છેતરપિંડી અને શારીરિક શોષણનો કિસ્સો સામે આવ્યો છે. 36 વર્ષીય મહિલા કોન્સ્ટેબલે ગોમતીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપી માજિદ ખાન સિકંદર ખાન ચૌહાણ વિરુદ્ધ છેતરપિંડી, બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

ફરિયાદ અનુસાર, મહિલા જુલાઈ 2020થી અમદાવાદ પોલીસમાં સશસ્ત્ર મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. એપ્રિલ 2024માં તેમની મુલાકાત એસઆરપી જવાન મારફતે આરોપી માજિદ ચૌહાણ સાથે મેટ્રો સ્ટેશન પર થઈ હતી. માજિદે પોતાને એનજીઓ ચલાવતો અને શેરબજારમાં ટ્રેડિંગ કરતો હોવાની ઓળખ આપી હતી.

મહિલા પોતાના માટે ઘર ખરીદવાનું વિચારી રહી હતી, તેથી તેણે માજિદની સલાહ પર રોકાણ કરવાનું નક્કી કર્યું. જાન્યુઆરી 2024થી ઓગસ્ટ 2024 દરમિયાન તેણે ક્રેડિટ કાર્ડ, વ્યક્તિગત લોન અને બેંક ખાતામાંથી નાણાં ઉપાડીને તબક્કાવાર ₹17 લાખ આરોપીને આપ્યા હતા. આમાં 29 જાન્યુઆરી 2026ના રોજ વૈષ્ણોદેવી સર્કલ પાસે ₹7.5 લાખ રોકડા પણ આપ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આરોપી માજિદે મહિલાને વિદેશ પ્રવાસ અને લગ્ન કરવાની લાલચ આપી હતી. તેણે મહિલાને નોકરી છોડીને પોતાની સાથે રહેવા માટે સમજાવી હતી અને ધર્મપરિવર્તન માટે દબાણ કર્યું હતું. લગ્નના વચનના આધારે મહિલાની સંમતિ લઈને તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ છે. જ્યારે મહિલાએ નોકરી છોડવાની ના પાડી, ત્યારે માજિદે ગુસ્સે થઈને ગાળો આપી, તેનો મોબાઈલ ફોન છીનવીને ડેટા ડિલીટ કરી ફોન તોડી નાખ્યો હોવાનું ફરિયાદમાં કહેવામાં આવ્યું છે.

મહિલાએ જ્યારે માજિદના વતન પાટણ જિલ્લાના ગામે જઈને તેના માતા-પિતાને મળવા ગઈ, ત્યારે ખબર પડી કે માજિદ પહેલેથી જ પરિણીત છે. તેની પત્નીનું નામ ઝારા છે અને તેને એક પુત્ર પણ છે. આ ખુલાસો થતાં જ મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો હતો.

ગોમતીપુર પોલીસે આરોપી માજિદ ખાન સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. પોલીસે હજુ સુધી આરોપીની ધરપકડ કરી નથી અને તપાસ ચાલુ છે.