સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં ઘરકંકાસનો કરુણ અંત: રસોઈને લઈને ઝઘડો થતાં પત્નીએ પતિની છાતીમાં ચપ્પુ ભોંક્યું, ધરપકડ

અમદાવાદમાં ઘરકંકાસનો કરુણ અંત: રસોઈને લઈને ઝઘડો થતાં પત્નીએ પતિની છાતીમાં ચપ્પુ ભોંક્યું, ધરપકડ

અમદાવાદના નરોડા સ્માર્ટ સિટી-2માં ગુરુવારે રાત્રે ઘરકંકાસ અને જમવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલી પત્નીએ પતિના છાતીના ડાબા ભાગે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. નરોડા પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી પત્નીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, નરોડા સ્માર્ટ સિટી-2 ખાતે રહેતા દંપતી વચ્ચે છેલ્લા એક વર્ષથી અવાર-નવાર સામાન્ય બાબતોને લઈને ઘરકંકાસ ચાલતો હતો. ગુરુવારે રાત્રે જમવા બાબતે ફરીથી બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તકરાર એટલી હદે વધી ગઈ હતી કે પત્નીએ રસોડામાંથી ચપ્પુ લાવી પતિના છાતીના ડાબા ભાગે ખુંપી દીધું હતું. આ હુમલામાં ગંભીર ઈજા થવાના કારણે આરોપી મહિલાના પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, પતિ-પત્ની વચ્ચે અગાઉ પણ અનેક વખત "કેમ આવી રસોઈ બનાવી?" કે "કેમ આ બનાવ્યું?" જેવી બાબતો પર ઝઘડા થતા હતા. આ ઉપરાંત, ઘરમાં આર્થિક બાબતો અને રૂપિયાના વ્યવહારને લઈને પણ સતત તણાવ રહેતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.