અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા નરોડા સ્માર્ટ સિટી-2 ખાતે ઘરકંકાસ અને જમવા બાબતે થયેલી બોલાચાલી હત્યામાં પરિણમી છે. નિવૃત આર્મીમેન પતિ દિલીપભાઈ સોમાજી ખરાડીની તેમની પત્ની નિર્મલાએ ચપ્પુ વડે છાતીના ડાબા ભાગે ઘા ઝીંકીને હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. હત્યા બાદ પત્ની ફરાર થઈ ગઈ હતી, જેને નરોડા પોલીસે ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી અનુસાર, દિલીપભાઈ હાલમાં જીએમડીસી (GMDC)માં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. તેમના પિતા સોમાજી રાજકોટમાં ASI તરીકે ફરજ બજાવતા હતા અને હાલ નિવૃત છે. દિલીપભાઈ અને તેમની પત્ની નિર્મલા વચ્ચે છેલ્લા એક વર્ષથી અવારનવાર કોઈને કોઈ બાબતે ઝઘડા થતા હતા. પૈસા સહિતની બાબતોમાં પણ દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાનું સામે આવ્યું છે.
ગુરુવારે (5 નવેમ્બર) રાત્રે પતિ-પત્ની વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાથી ઉશ્કેરાયેલી પત્નીએ રસોડામાંથી ચપ્પુ લાવીને પતિની છાતીના ડાબા ભાગે મારી દીધું હતું. ગંભીર ઇજાના કારણે દિલીપભાઈનું મોત નીપજ્યું હતું. પોલીસે પત્ની નિર્મલા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં પતિ-પત્ની વચ્ચે રસોઈ કેમ બનાવી? કેમ આ બનાવ્યું? તે બાબતે પણ ઘણી વાર ઝઘડા થયા હોવાનું જાણવા મળ્યું છે.