સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં 3 ઈંચ વરસાદથી જળબંબાકાર, 13 જગ્યાએ 10 કલાક પછી પણ પાણી, 147 સ્થળોએ CCTV

અમદાવાદમાં 3 ઈંચ વરસાદથી જળબંબાકાર, 13 જગ્યાએ 10 કલાક પછી પણ પાણી, 147 સ્થળોએ CCTV

અમદાવાદમાં છેલ્લા બે મહિનામાં અને સપ્ટેમ્બરમાં જ સતત બે વખત જળબંબાકારની સ્થિતિ સર્જાતાં નગરજનોએ મ્યુનિસિપલ ભાજપના હોદ્દેદારો સામે રોષ વ્યક્ત કર્યો છે. નાગરિકોની નારાજગી સામે મેયરે પાણીના નિકાલ માટે કડક સૂચના આપી છે અને સ્ટેન્ડિંગ કમિટીએ આગામી ચોમાસા પહેલાં કાયમી ઉકેલ લાવવા અધિકારીઓને 10 મહિનાનો સમય આપ્યો છે.

શુક્રવારે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ 2.88 ઈંચ (લગભગ 3 ઈંચ) વરસાદ નોંધાયો હતો. વરસાદ બંધ થયાના 10 કલાક બાદ પણ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીનો નિકાલ થયો ન હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનને પાણી ભરાવાની કુલ 41 ફરિયાદો મળી હતી, જેમાંથી 28નો નિકાલ કરાયો હતો, જ્યારે 13 સ્થળોએ 10 કલાક પછી પણ પાણી ભરાયેલું રહ્યું હતું.

મેયરે જણાવ્યું હતું કે તેઓ સવારથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં રૂબરૂ ફર્યા હતા અને લોકોને પડતી મુશ્કેલીઓ જાતે અનુભવી હતી. ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ઈજનેરી વિભાગના અધિકારીઓને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તાત્કાલિક તમામ પગલાં લેવા કડક સૂચના આપવામાં આવી હતી.

સ્ટેન્ડિંગ કમિટીની શુક્રવારની બેઠકમાં વરસાદી પાણી ભરાવાનો મુદ્દો મુખ્ય ચર્ચામાં રહ્યો હતો. અધિકારીઓ પાસેથી નિકાલમાં થયેલા વિલંબ અંગે ખુલાસો માંગતાં ઈજનેરી વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે સવારે ભારે વરસાદ પડ્યો ત્યારે ડ્રેનેજ લાઈનોમાં અગાઉથી પાણી ભરેલું હોવાથી નિકાલ ધીમો પડ્યો હતો. ઉપરાંત સાબરમતી નદીમાં વાસણા બેરેજના દરવાજા ખોલવામાં થયેલા વિલંબને કારણે પણ પાણીના નિકાલ પર અસર પડી હતી.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બેઠક બાદ જણાવ્યું કે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આગામી ચોમાસામાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે આગામી 10 મહિનામાં તમામ જરૂરી કામગીરી પૂર્ણ કરી લેવી. પીરાણા એસટીપી (STP) તેમજ અન્ય કેટલાક પમ્પિંગ સ્ટેશન બંધ હોવાની ફરિયાદો મળી હતી, જેમાંથી અધિકારીઓએ માત્ર તેજેન્દ્ર પાર્ક પમ્પિંગ સ્ટેશન બંધ હોવાનું સ્વીકાર્યું હતું.

વરસાદ દરમિયાન શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની 78 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 77નો તાત્કાલિક નિકાલ કરાયો હતો અને એક ફરિયાદનું કામ બાકી હતું.

શહેરમાં પાણી ભરાતા સંવેદનશીલ સ્થળોની મોનિટરિંગ વ્યવસ્થા મજબૂત કરવા સ્ટેન્ડિંગ કમિટીએ 147 વોટર લોગિંગ સ્પોટ પર સીસીટીવી (CCTV) કેમેરા લગાવવાની સૂચના આપી છે. કંટ્રોલરૂમની મુલાકાત દરમિયાન કેટલાક સ્થળોનું યોગ્ય મોનિટરિંગ થઈ શકતું ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું.