સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં અઢી ઈંચ વરસાદમાં જ પાણી ભરાયું, AMC બેઠકમાં ધારાસભ્યોએ કમિશનરને કરી ચેતવણી

અમદાવાદમાં અઢી ઈંચ વરસાદમાં જ પાણી ભરાયું, AMC બેઠકમાં ધારાસભ્યોએ કમિશનરને કરી ચેતવણી

અમદાવાદમાં માત્ર અઢી ઈંચ વરસાદ પડતાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. આ મુદ્દો હવે મ્યુનિસિપલ કમિશનર સાથેની સંકલન બેઠક સુધી પહોંચ્યો છે. બેઠકમાં શહેરના ચારથી વધુ ધારાસભ્યોએ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે અધિકારીઓને સવાલો પૂછ્યા હતા.

ધારાસભ્યોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આગામી ચોમાસું શરૂ થાય તે પહેલાં એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે શહેરમાં ક્યાંય પાણી ભરાય નહીં. જમાલપુર, એલિસબ્રિજ અને વેજલપુરના ધારાસભ્યોએ તેમના વિસ્તારોની ચોક્કસ સમસ્યાઓ રજૂ કરી હતી.

જમાલપુરના ધારાસભ્યએ કોટ વિસ્તારમાં પાણી ભરાવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે અંગ્રેજોના સમયમાં બનેલી ગટર લાઇનોની ક્ષમતા એટલી હતી કે 20 ઈંચ વરસાદમાં પણ કોટ વિસ્તારમાં પાણી ભરાતું નહોતું. પરંતુ આ વખતે પ્રથમ વખત ત્રણ દરવાજા વિસ્તારમાં પાણી ભરાયું હતું. તેમણે આ સ્થિતિ માટે નદીમાં પાણીના યોગ્ય નિકાલ ન થવાને પણ કારણ ગણાવ્યું હતું.

એલિસબ્રિજના ધારાસભ્યએ પાલડી વિસ્તારના 10 આઉટફ્લોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે રિવરફ્રન્ટ વિસ્તારમાંથી આશરે 10 આઉટફ્લો સાબરમતી નદીમાં ખુલે છે, જે પાલડી અને આસપાસના વિસ્તારોનું પાણી નદીમાં ઠાલવે છે. એક મહિના અગાઉની બેઠકમાં આ આઉટફ્લોની સફાઈ અને ડીશિલ્ટિંગ કરાવવાની રજૂઆત થઈ હતી, પણ કામ સમયસર થયું નહોતું. તેમણે વરસાદ દરમિયાન ઇજનેર વિભાગના અધિકારી સાથે સ્થળની મુલાકાત લઈને બતાવ્યું હતું કે આ 10 આઉટફ્લોમાંથી પાણીનો પ્રવાહ થતો નથી. જો સમયસર સફાઈ થઈ હોત તો પાલડી અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઓછી થઈ શકી હોત.

વેજલપુરના ધારાસભ્યએ વિસ્તારમાં પાણી ભરાવાનો મુદ્દો ઉઠાવીને ફરી એકવાર ડેડિકેટેડ સ્ટ્રોમ વોટર લાઇનની માંગણી કરી હતી, જેથી વરસાદ દરમિયાન પાણીનો ઝડપી નિકાલ થઈ શકે અને રહેણાક વિસ્તારોમાં પાણી ભરાય નહીં.

બેઠકમાં મોટાભાગના ધારાસભ્યોએ મ્યુનિસિપલ તંત્રને સ્પષ્ટ કહ્યું કે પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ માત્ર તાત્કાલિક કામગીરીથી નહીં આવે. અત્યારથી જ આગામી ચોમાસા માટે આયોજન કરવું પડશે. ચોમાસું શરૂ થાય તે પહેલાં ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર લાઇન, આઉટફ્લો અને પાણીના નિકાલ સાથે જોડાયેલી જરૂરી કામગીરી પૂરી કરવાની તાકીદ તેમણે કરી હતી.