અમદાવાદમાં અસારવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનની ટાંકીમાંથી હાડકાં મળી આવ્યા બાદ શહેરની પાણીની ટાંકીઓની સફાઈ અંગે ગંભીર સવાલો ઉઠ્યા હતા. ગુજરાત સમાચાર ડિજિટલે 6 ઓક્ટોબરે પ્રકાશિત અહેવાલમાં જણાવ્યું હતું કે નિયમ મુજબ દર છ મહિને ટાંકીની સફાઈ થવી જોઈએ, પરંતુ શહેરની 241માંથી માત્ર 95 ટાંકીની જ છેલ્લા છ મહિનામાં સફાઈ થઈ હતી.
આ અહેવાલની અસર થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પાણીની ટાંકીઓની સફાઈનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે શહેરની તમામ 243 પાણીની ટાંકીઓની વર્ષમાં બે વખત એટલે કે દર છ મહિને નિયમિત સફાઈ કરવા અને કામગીરીનું સતત મોનિટરિંગ કરવાની સૂચના આપી છે.
ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, 'અમદાવાદ શહેરમાં કુલ 243 પાણીની ટાંકીઓ આવેલી છે અને તમામ ટાંકીઓની વર્ષમાં બે વખત નિયમિત સફાઈ કરવામાં આવે છે. દરેક ટાંકી માટે અલગ-અલગ સમયગાળા મુજબ સફાઈનું શિડ્યૂલ નક્કી કરવામાં આવ્યું છે.' તેમણે વધુમાં ઉમેર્યું કે, 'હાલના શિડ્યૂલ મુજબ 96 પાણીની ટાંકીઓની સફાઈ પૂર્ણ થઈ ગઈ છે. તમામ ટાંકીઓની વર્ષમાં બે વખત નિયમિત સફાઈ થાય તે અંગે ફરી સૂચના આપવામાં આવી છે અને આ કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવશે.'
અગાઉ ગુજરાત સમાચાર ડિજિટલના અહેવાલમાં સામે આવ્યું હતું કે નિયમ મુજબ પાણીની ટાંકીની દર છ મહિને સફાઈ કરવાની હોવા છતાં શહેરની કુલ 241 વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનની ટાંકીઓમાંથી માત્ર 95 ટાંકીની જ છેલ્લા છ મહિનામાં સફાઈ થઈ હતી. જ્યારે 125 ટાંકીની સફાઈ 6થી 12 મહિનાના ગાળામાં થઈ હતી અને 21 ટાંકી એવી હતી જેને સાફ થયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હતો. આમ 241માંથી 146 ટાંકી એવી હતી જેની છેલ્લા છ મહિનામાં સફાઈ થઈ નહોતી.
પૂર્વ ઝોનની 42માંથી એક પણ ટાંકી છ મહિનામાં સાફ નહોતી થઈ. 41 ટાંકીની સફાઈ 6થી 12 મહિનાના સમયગાળામાં થઈ હતી, જ્યારે એક ટાંકી એક વર્ષથી વધુ સમયથી સફાઈ વગરની હતી. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 36માંથી માત્ર 9 અને પશ્ચિમ ઝોનમાં 40માંથી માત્ર 7 ટાંકીની છેલ્લા છ મહિનામાં સફાઈ થઈ હતી. બીજી તરફ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 28માંથી 26 ટાંકીની છ મહિનામાં સફાઈ થઈ હતી, જે અન્ય ઝોનની સરખામણીએ સૌથી વધુ હતી.
શહેરની 21 ટાંકીઓ એવી હતી જેને સાફ થયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હતો. તેમાં ઉત્તર પશ્ચિમ ઝોનની 7, પશ્ચિમની 6, ઉત્તરની 6, પૂર્વની 1 અને દક્ષિણ ઝોનની 1 ટાંકીનો સમાવેશ થતો હતો. આ મામલો ખાસ કરીને અસારવા WDSની ટાંકીમાંથી હાડકાં મળી આવ્યા બાદ વધુ ગંભીર બન્યો હતો. અસારવા WDSની ટાંકીની છેલ્લી સફાઈ જાન્યુઆરી 2025માં થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ શહેરની પાણીની ટાંકીઓની નિયમિત સફાઈ વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા હતા.