અમદાવાદમાં 80 લાખથી વધુ લોકોને પીવાનું પાણી પૂરું પાડતી 244 ટાંકીઓમાંથી 48 ટાંકીઓની સફાઈ છ મહિનાની નિયત સમયમર્યાદામાં ન થઈ હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દો ગુજરાત સમાચાર ડિજિટલે ઉપાડ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સત્તાધીશો સક્રિય થયા છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સંબંધિત એજન્સી સામે કાર્યવાહી કરવા અને સફાઈની કામગીરીમાં જવાબદાર અધિકારીઓની ભૂમિકા તપાસવા સૂચના આપી છે. જે એજન્સીને ટાંકીઓની સફાઈની જવાબદારી સોંપવામાં આવી છે, તેની સામે કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે. ઉપરાંત, વિલંબ માટે જવાબદાર અધિકારી કે વ્યક્તિની ભૂમિકા તપાસીને જવાબદારી નક્કી કરી પગલાં લેવામાં આવશે.
ચેરમેને જણાવ્યું કે શહેરની કુલ 244 ટાંકીઓમાંથી 196 ટાંકીઓની સફાઈ છ મહિનાની અંદર થઈ ગઈ છે, જ્યારે 48 ટાંકીઓની સફાઈ નિયત સમયમર્યાદામાં થઈ નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે.
પાણીની ટાંકીઓની નિયમિત સફાઈ પીવાના પાણીની ગુણવત્તા સાથે સીધી રીતે સંકળાયેલી છે. 48 ટાંકીઓની સફાઈમાં થયેલા વિલંબને કારણે સફાઈનું આયોજન, કોન્ટ્રાક્ટરની જવાબદારી અને અધિકારીઓની દેખરેખ અંગે સવાલો ઊભા થયા છે. હવે એજન્સીએ સફાઈમાં વિલંબ કેમ થયો, જવાબદાર અધિકારીઓએ સમયસર દેખરેખ રાખી હતી કે નહીં અને બાકી રહેલી ટાંકીઓની સફાઈ ક્યારે પૂર્ણ થશે તે સ્પષ્ટ કરવાનું રહેશે.
આ ઉપરાંત, બેઠકમાં અન્ય વિષયો પર પણ ચર્ચા થઈ. કોર્પોરેશનની મિલકતોમાં સોલર અને વિન્ડ એનર્જીનો ઉપયોગ વધારવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. હાલમાં કુલ વીજવપરાશમાંથી 28% વીજળી ગ્રીન એનર્જીમાંથી મેળવવામાં આવે છે. ડિસેમ્બર સુધીમાં આ પ્રમાણ 44% કરવાનો અને 2028 સુધીમાં 100% વીજવપરાશ ગ્રીન એનર્જીમાંથી મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
શિયાળાની મોસમમાં કાંકરિયા લેકફ્રન્ટ ખાતે જોવા મળતાં દેશી-વિદેશી પક્ષીઓ વિશે નાગરિકો અને પક્ષીપ્રેમીઓને માહિતી મળે તે માટે 'વિંગ્સ ઓવર કાંકરિયા' પહેલને મંજૂરી આપવામાં આવી છે. આ માટે કોર્પોરેશન બાયનોક્યુલર ખરીદશે. કાંકરિયા ઝૂનો સ્ટાફ દરરોજ સવારે અને સાંજે બે-બે કલાક મુલાકાતીઓને પક્ષીઓનું અવલોકન કરાવશે અને તેમની ઓળખ તથા વિશેષતાઓ વિશે માહિતી આપશે.
દશેરાના તહેવાર દરમિયાન ફાફડા-જલેબીના સ્ટોલ પર વેચાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા તપાસવા કોર્પોરેશનના ફૂડ વિભાગને સૂચના આપવામાં આવી છે. સાથે જ સ્ટોલધારકો ફૂટપાથ પર દબાણ ન કરે તેની તકેદારી રાખવા પણ જણાવાયું છે.