સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: માણેકબાગ પાસે લીકેજ, બુધવારે નવરંગપુરા-પાલડી-વાસણામાં પાણી વિતરણ ખોરવાશે

અમદાવાદ: માણેકબાગ પાસે લીકેજ, બુધવારે નવરંગપુરા-પાલડી-વાસણામાં પાણી વિતરણ ખોરવાશે

અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં માણેકબાગ ચાર રસ્તા પાસે 600 મિમીની પાણીની લાઇનમાં લીકેજ થયું છે. આ લીકેજને કારણે પાણીનો બગાડ થવા ઉપરાંત કેટલાક વિસ્તારોમાં પાણીનું દબાણ પણ ઘટી ગયું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશને લીકેજ દૂર કરવા સમારકામ શરૂ કર્યું છે.

સમારકામ ઝડપથી પૂરું થાય તે માટે છ જળ વિતરણ સ્ટેશનોને પાણી પૂરું પાડતી ટ્રંક મેઇન્સના વાલ્વ તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે. આ સ્ટેશનોમાં આઝાદ સોસાયટી, નિયોજનનગર, શારદા, જવાહરનગર, શહીદવન અને શાહવાડીનો સમાવેશ થાય છે.

વાલ્વ બંધ રહેવાના કારણે બુધવારે નવરંગપુરા, પાલડી અને વાસણા વોર્ડમાં પાણી વિતરણ ખોરવાશે. ટાંકીઓમાં પાણીનો જથ્થો ઘટશે, તેથી આ વોર્ડમાં ઉપલબ્ધ જથ્થા મુજબ જ પાણી આપવામાં આવશે.

કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, સમારકામની કામગીરી પૂરી થતાં જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી વિતરણ પહેલાંની જેમ ફરી શરૂ કરી દેવામાં આવશે. નાગરિકોને પાણીનો સંગ્રહ કરી રાખવાની સલાહ અપાઈ છે.