અમદાવાદમાં જાસપુર 200 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે જોડાયેલી ટ્રંક મેઈન લાઈનના સમારકામ અને લાઈન શિફ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવનારી છે. જેના પગલે મંગળવારે ઉત્તર-પશ્ચિમ તેમજ દક્ષિણ પશ્ચિમ ઝોનના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠાને અસર થશે. આ કામગીરી દરમિયાન બંને ઝોનનાં આશરે 12 વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનને અસર થવાની શક્યતા છે.
જાસપુરની 200 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્ષમતાની ટ્રંક મેઈન લાઈનમાં બે સ્થળે કામગીરી કરવાની છે. પ્રથમ કામગીરી લીલાપુર ગામ નજીક લીલાપુર તળાવની બાજુમાં આવેલી 1300 મિમીની લાઈન પર કરવામાં આવશે. આ લાઈનનો સ્કાઉર વાલ્વનો સ્પિન્ડલ રોડ ક્ષતિગ્રસ્ત થયો હોવાથી તેને બદલીને નવો સ્પિન્ડલ રોડ લગાવવામાં આવશે.
બીજી તરફ સરખેજ નેશનલ હાઈવે પર અંબર ટાવર અને ક્લાસિક હોમ નજીક કેડિલા સર્કલથી એપીએમસી તરફ જતી 750 મિમીની ટ્રંક મેઈન લાઈનનું શિફ્ટિંગ કરવામાં આવશે. આ લાઇન ડ્રેનેજ રિહેબિલિટેશનની કામગીરીમાં અડચણરૂપ બનતી હોવાથી તેને ખસેડવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ બંને કામગીરીને કારણે પાણી પુરવઠાની વ્યવસ્થા ખોરવાશે.
પાણી પુરવઠા વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, કામગીરી દરમિયાન ઉત્તર-પશ્ચિમ ઝોનનાં આશરે 12 વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનને અસર થશે. આ સમયગાળા દરમિયાન તમામ સ્ટેગર્ડ વોટર સપ્લાય પણ બંધ રાખવામાં આવશે. પરિણામે ગોતા, થલતેજ, શીલજ, બોપલ-ઘુમા, સરખેજ, મકતમપુરા સહિતના વિસ્તારોના રહેવાસીઓને પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
બીજી તરફ મકતમપુરા વોર્ડમાં મુસ્કાન ગાર્ડન, એપીએમસી અને સંકલિતનગર વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનને પાણી પૂરું પાડતી 700 મિમીની 24 કલાકની લાઈનમાં પણ લીકેજની સમસ્યા સામે આવી છે. આ લાઈનનો આશરે 15 મીટરનો ભાગ બદલવાની જરૂર છે. હાલમાં લીકેજનું કામચલાઉ સમારકામ કરવામાં આવ્યું છે.