સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં આવતીકાલે પાણી સપ્લાય ઘટશે: 5 ઝોન પ્રભાવિત, તંત્રની અપીલ

અમદાવાદમાં આવતીકાલે પાણી સપ્લાય ઘટશે: 5 ઝોન પ્રભાવિત, તંત્રની અપીલ

અમદાવાદ શહેરમાં આવતીકાલે પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થવાની શક્યતા છે. નર્મદા મુખ્ય નહેરમાં પાણીના સ્તરમાં થયેલી વધઘટને કારણે કોતરપુર વૉટર વર્ક્સને પૂરતા પ્રમાણમાં રૉ-વૉટર મળી શક્યું નથી, જેથી વોટર ટ્રીટમેન્ટ અને પમ્પિંગ કામગીરી પર સીધી અસર પડી છે.

આ ટેકનિકલ ખામીના પગલે શહેરના મધ્ય, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ એમ કુલ 5 મુખ્ય ઝોનમાં પાણી સપ્લાયમાં મોટો ઘટાડો થઈ શકે છે. શહેરના મોટાભાગના રહેણાંક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી કે મર્યાદિત સમય માટે પાણી મળશે.

નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા પાણીનો સંગ્રહ કરી તેનો અત્યંત કરકસરપૂર્વક ઉપયોગ કરવાની ખાસ અપીલ કરવામાં આવી છે.