અમદાવાદમાં 25 ઓક્ટોબરે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી કાપ પડ્યો હતો. તે જ દિવસે બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને કારણે હજારો લિટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહી જતું હોવાનું સામે આવ્યું છે. બહેરામપુરા, શાહપુર દરવાજા, બાપુનગર અને ખોખરા વિસ્તારોમાં પીવાના પાણીની મુખ્ય લાઈનોમાં ભંગાણ સર્જાયું છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈને ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. લોકો સુધી પાણી પહોંચવાને બદલે તે ગટરમાં ભળી રહ્યું છે, છતાં તંત્ર તરફથી ઝડપી સમારકામ થતું નથી.
મળતી માહિતી મુજબ, પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી લીકેજ અંગે મ્યુનિસિપલ તંત્રને વારંવાર ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ કોઈ ઠોસ ઉકેલ આવ્યો નથી. પશ્ચિમ અમદાવાદમાં નાની ફરિયાદ પણ તરત ધ્યાનમાં લેવાય છે અને રાતોરાત કામગીરી પૂર્ણ કરવામાં આવે છે, જ્યારે પૂર્વના વિસ્તારોમાં સમારકામ માટે સત્તાધીશો ઉતાવળ દાખવતા નથી.
બાપુનગરમાં ચાંદોડિયા પોલીસ ચોકી નજીક બ્લોક નંબર 25 પાસે છેલ્લા એક અઠવાડિયાથી પાણીની પાઈપલાઈન તૂટી ગઈ છે. તેમાંથી સેંકડો લિટર ચોખ્ખું પાણી રસ્તા પર વહીને ગટરમાં જઈ રહ્યું છે. બીજી તરફ, ખોખરાના સર્વોદયનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ બ્લોક નંબર 167 આગળ છેલ્લા 20 દિવસથી લાઈનમાં ભંગાણ છે. સ્થાનિક લોકોએ તંત્રને અનેક રજૂઆતો કરી હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ પગલાં લેવાયા નથી.
24 કલાક પાણી રસ્તા પર ભરાયેલું રહેતું હોવાથી માર્ગો લપસણા બન્યા છે. તેના કારણે વાહનચાલકો સ્લિપ થઈ જવાનો અને અકસ્માતનો ભય ઊભો થયો છે. વધુમાં, લીકેજને કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણી અત્યંત ઓછા દબાણ સાથે આવે છે, જેથી રહીશોની રોજિંદી જરૂરિયાતો પણ પૂરી થતી નથી. આ બે વિસ્તારો ઉપરાંત દાણીલીમડા, અમરાઈવાડી અને શાહીબાગમાં પણ પાણીની લાઈનોમાં લીકેજના અહેવાલો સામે આવ્યા છે.