અમદાવાદના સનાથલ સર્કલ પાસે નવાપુરા ગામની સીમમાં આવેલા એક વેરહાઉસમાંથી લગભગ 1 કરોડ રૂપિયાના કિંમતી ગેઝેટ્સની ચોરી થઈ છે. તસ્કરોએ રાત્રિના સમયે વેરહાઉસનું પતરું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને મોટી સંખ્યામાં મોબાઇલ ફોન, લેપટોપ, સ્માર્ટ વોચ અને અન્ય ઇલેક્ટ્રોનિક સામાન લઈને ફરાર થઈ ગયા હતા.
ચાંગોદર પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના 21 ઓક્ટોબરની રાત્રે એકથી અઢી વાગ્યા દરમિયાન બની હતી. વેરહાઉસમાં સિક્યોરિટી ગાર્ડે તપાસ કરતા પાછળના ભાગનું પતરું તૂટેલું જણાયું હતું. તપાસ કરતાં વિવિધ પાર્સલ તૂટેલા હાલતમાં મળ્યા હતા અને તેમાંથી કિંમતી સામાન ગાયબ હતો. બાદમાં વેરહાઉસના મેનેજરને જાણ કરવામાં આવી હતી.
મેનેજર સુધીર નાયર, જગતપુર ગોદરેજ ગાર્ડન સિટીમાં રહે છે અને ઇન્ગ્રામ માઇક્રો કંપનીના વેરહાઉસમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમણે પોલીસને જણાવ્યું કે ચોરાયેલા સામાનમાં 40 આઇફોન-17, 30 આઇફોન-16, 15 ડેલ લેપટોપ, 11 એચપી લેપટોપ, 36 એપલ વોચ, 20 આઇપેડ કીબોર્ડ, આઇપેડ પ્રો અને લેપટોપની બેગનો સમાવેશ થાય છે. કુલ નુકસાની અંદાજે 1 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
વેરહાઉસના સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે તસ્કરો વેરહાઉસની પાછળ આવેલા ખુલ્લા ખેતરમાંથી આવ્યા હતા અને પતરું તોડીને અંદર ઘૂસ્યા હતા. ચોરી કર્યા બાદ તેઓ એ જ રસ્તેથી નાસી ગયા હતા. ચાંગોદર પોલીસે ગુનો નોંધી લીધો છે અને અમદાવાદ ગ્રામ્ય એલસીબી સહિતની ટીમો સાથે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચોરીમાં કોઈ જાણભેદુ વ્યક્તિની સંડોવણીની શક્યતા છે. તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.