સત્ય. સાહસ. સંકલ્પ.

વાડજ ઓવરબ્રિજના 48 કલાકમાં જ નવો કટ શરૂ, 10-12 હજાર વાહનચાલકોને રાહત

વાડજ ઓવરબ્રિજના 48 કલાકમાં જ નવો કટ શરૂ, 10-12 હજાર વાહનચાલકોને રાહત

અમદાવાદના વાડજ જંક્શન પર નવો ઓવરબ્રિજ શરૂ થયાના માત્ર 48 કલાકમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ટ્રાફિક પોલીસે સંકલન સાધીને નારણપુરા તરફ જતો વૈકલ્પિક કટ એરોમા કોલેજ પાસે ખોલ્યો છે. મુખ્યમંત્રીએ 24 સપ્ટેમ્બરે બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.

બ્રિજ શરૂ થયા બાદ ટ્રાફિકની સલામતી અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બ્રિજના છેડે આવેલો નારણપુરા તરફ જવાનો જૂનો કટ બંધ કરવામાં આવ્યો હતો. જોકે, આ કટ બંધ થતાં વાહનચાલકોને ઉસ્માનપુરા સિગ્નલ સુધી જઈને યુ-ટર્ન અથવા લાંબો ફેરો કરીને નારણપુરા જવું પડતું હતું, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

ટ્રાફિક પોલીસે બે દિવસ સુધી સર્વે કર્યો હતો, જેમાં જૂનો કટ બંધ થવાથી વાહનચાલકોને પડતી મુશ્કેલી અને ઉસ્માનપુરા તરફ વધતા ટ્રાફિકને ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. ત્યારબાદ નારણપુરા તરફ જવા માટે વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો હતો.

ટ્રાફિક પોલીસ અને AMCની ટીમે જૂના કટથી આશરે 200 મીટર આગળ એરોમા કોલેજ પાસે આવેલા રોડ પર નવો કટ ખોલવાનું નક્કી કર્યું હતું. આ સ્થળેથી નારણપુરા તરફ જતા વાહનચાલકો સરળતાથી આગળ વધી શકે તેમ હોવાથી તેને વૈકલ્પિક માર્ગ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

નવો કટ ખોલવા માટે ટ્રાફિક પોલીસ અને AMCના અધિકારીઓ વચ્ચે તાત્કાલિક બેઠક યોજાઈ હતી. બેઠક બાદ બંને વિભાગના અધિકારીઓએ સંકલન કરીને કટ ખોલવાની કામગીરી હાથ ધરી હતી. રાતોરાત કટ ખોલવાની સાથે માર્ગ પર જરૂરી સાઇન બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે, જેથી વાહનચાલકોને નવા માર્ગ અંગે જાણકારી મળી શકે.

વાડજ ઓવરબ્રિજ પરથી દરરોજ અંદાજે 1.50 લાખથી વધુ વાહનો પસાર થાય છે. આવી સ્થિતિમાં બ્રિજ શરૂ થયા બાદ આસપાસના માર્ગો પર ટ્રાફિકનું યોગ્ય સંચાલન રહે તે માટે વૈકલ્પિક કનેક્ટિવિટી મહત્વની બની છે. એરોમા કોલેજ પાસેનો નવો કટ શરૂ થતાં નારણપુરા તરફ જતા અંદાજે 10થી 12 હજાર વાહનચાલકોને દરરોજ સીધી રાહત મળવાની શક્યતા છે.

જૂનો કટ બંધ થતાં સ્થાનિક રહેવાસીઓ અને નિયમિત વાહનચાલકોમાં પણ મુશ્કેલી અંગે નારાજગી હતી. વાહનચાલકોને લાંબો ફેરો કરવો પડતો હોવાથી ટ્રાફિક અને સમય બંનેનો પ્રશ્ન ઊભો થયો હતો. ટ્રાફિક પોલીસના સર્વે બાદ આ બાબતને ધ્યાનમાં રાખીને AMC સાથે સંકલન કરવામાં આવ્યું અને માત્ર બે દિવસમાં જ વૈકલ્પિક કટ શરૂ કરી દેવામાં આવ્યો.