સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં વાયરલ અને મચ્છરજન્ય રોગચાળો: 5 હજારથી વધુ કેસનો દાવો, AMCની ચેકિંગમાં 222 સ્થળે બ્રિડિંગ મળ્યું

અમદાવાદમાં વાયરલ અને મચ્છરજન્ય રોગચાળો: 5 હજારથી વધુ કેસનો દાવો, AMCની ચેકિંગમાં 222 સ્થળે બ્રિડિંગ મળ્યું

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો અને વાયરલ સંક્રમણના કેસમાં વધારો થયો છે. શહેરમાં રોજના વાયરલના 5,000થી વધુ કેસ હોવાનો દાવો થઈ રહ્યો છે. જોકે, ખાનગી હોસ્પિટલના વાયરલ કેસનો ડેટા AMC પાસે ઉપલબ્ધ નથી, જેથી વાસ્તવિક આંકડા અંગે સ્પષ્ટતા નથી.

એએમસી હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરમાં વાયરલના દર્દીઓની ભીડ વધી છે. ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા વધી છે. છેલ્લા 20 દિવસમાં AMC હોસ્પિટલમાં નોંધાયેલા કેસની વિગત મુજબ મલેરિયાના 92, ડેન્ગ્યુના 496 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગોમાં ઝાડા-ઉલટીના 140, કમળાના 48 અને ટાઈફોઈડના 172 કેસ નોંધાયા છે.

મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવા મનપાની ટીમે 1,298 કોમર્શિયલ એકમો પર ચેકિંગ કર્યું છે. જેમાં 61 એકમો પાસેથી મચ્છરોના બ્રિડિંગ મામલે દંડ વસૂલાયો છે. શહેરમાં 222 સ્થળે મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું છે, જેના પગલે કુલ 6 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

કાર્ગો મોટર્સ અને સેપ્ટ યુનિવર્સિટીમાંથી મચ્છરોનું બ્રિડિંગ મળતા 25,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. ઇન્ડિયા કોલોની ખાતેની અદાણી કન્સ્ટ્રક્શન સાઇટને 20,000, ગિરીશ કોલ્ડ્રિંકને 5,000 અને ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં 10,000 રૂપિયાની પેનલ્ટી કરવામાં આવી છે.

ઘરની છત પર રહેલા કુંડા અને પક્ષીઓ માટે રાખેલા માટીના પાત્રમાં પણ મચ્છરોનું બ્રિડિંગ વધુ જોવા મળે છે. મનપાએ નાગરિકોને પાણી ભરાયેલા કુંડા, છત પરના પાત્રો અને અન્ય જગ્યાએ ભરાયેલા પાણીની સફાઈ કરવા અપીલ કરી છે.

રોગચાળો કાબૂમાં લેવામાં હેલ્થ વિભાગની કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. ખાનગી હોસ્પિટલોના ડેટા AMC સુધી ન પહોંચતા સંક્રમણના વાસ્તવિક વ્યાપ અંગે ચિંતા વ્યક્ત થાય છે. નાગરિકોને ચેપગ્રસ્ત વિસ્તારોમાં સાવચેતી રાખવા અને તબિયત ખરાબ થાય તો તાત્કાલિક સારવાર લેવાની સલાહ આપવામાં આવી છે.