આજથી 40 દિવસ પછી અમદાવાદથી વિયેતનામના ફુકોક ટાપુ માટે સીધી ફ્લાઈટ શરૂ થવાની છે. હાલમાં ભારતથી રોજની 100 ફ્લાઈટ અને અમદાવાદથી રોજની બે ફ્લાઈટ વિયેતનામ જાય છે. માત્ર 5 કલાકમાં તમે ત્યાં પહોંચી શકો છો. છેલ્લા બે વર્ષથી ગુજરાતીઓમાં વિયેતનામ ફરવાનો ટ્રેન્ડ વધ્યો છે. પહેલાં દુબઈ, સિંગાપોર, મલેશિયા, બેંગકોક અને થાઈલેન્ડ જવાનું ચલણ હતું, જે હવે બદલાઈ ગયું છે.
ગુજરાતીઓને વિયેતનામ કેમ આકર્ષે છે તેના ચાર મુખ્ય કારણો છે. પહેલું, અહીં વિવિધ પ્રકારના પર્યટન સ્થળો એક જ દેશમાં મળી જાય છે. પહાડો, દરિયો અને દરિયાકિનારે યોજાતા શો તેમજ પાણીમાં કઠપૂતળીની સદીઓ જૂની કલા (વોટર પપેટ્રી) જોવા મળે છે. બીજું કારણ ઓછો ખર્ચ છે. દુબઈ કે સિંગાપોરની સરખામણીએ વિયેતનામમાં ભારત જેટલો જ ખર્ચ થાય છે. ઉદાહરણ તરીકે, સારી હોટેલમાં કોફી 170 રૂપિયા આસપાસ મળે છે અને સારો રૂમ રોજના 2,000થી 4,000 રૂપિયામાં ઉપલબ્ધ છે. ત્રીજું, ત્યાં ભારતીય રેસ્ટોરન્ટ્સ સહેલાઈથી મળી જાય છે. ગુજરાતી, સાઉથ ઈન્ડિયન અને પંજાબી ભોજન ઉપલબ્ધ છે. કેટલાક ગુજરાતીઓએ ત્યાં ગુજરાતી થાળીના રેસ્ટોરન્ટ પણ ખોલ્યા છે. ચોથું કારણ એ છે કે અમદાવાદથી ફ્લાઈટ માત્ર 5 કલાકમાં વિયેતનામ પહોંચાડી દે છે, જેથી સમય બચે છે.
વિયેતનામમાં જોવા જેવા ઘણા સ્થળો છે. દા નાંગમાં આવેલો ગોલ્ડન બ્રિજ વાદળો વચ્ચેથી પસાર થવાનો અનુભવ કરાવે છે. હનોઈની ટ્રેન સ્ટ્રીટ યાદગાર રોમાંચ આપે છે, જ્યાં સાંકડી ગલીમાંથી ટ્રેન પસાર થાય છે. વિયેતનામમાં દુનિયાની સૌથી મોટી ગુફા પણ છે. આ ઉપરાંત પાણીમાં કઠપૂતળીની પરંપરાગત કલા જોવા મળે છે.
વિયેતનામ દક્ષિણ એશિયામાં લાંબો અને અંગ્રેજી 'S' આકારનો દેશ છે. તેની સરહદો ચીન, લાઓસ અને કંબોડિયા સાથે મળે છે. તેનો દરિયાકિનારો 3,444 કિલોમીટર લાંબો છે. રાજધાની હનોઈ છે અને સૌથી મોટું શહેર હો ચી મિન્હ સિટી છે. ભારત કરતાં વિયેતનામની ઘડિયાળ 1 કલાક 30 મિનિટ આગળ છે. ત્યાંની કરન્સી ડોંગ છે. વિયેતનામ શબ્દ 'વિયેત' જાતિ અને 'નામ' (દક્ષિણ દિશા) પરથી બન્યો છે. કાળી માટીમાં કોફીનું વાવેતર સારું થતું હોવાથી વિયેતનામ બ્રાઝીલ પછી દુનિયામાં કોફી ઉત્પાદનમાં બીજા ક્રમે છે. દેશને ઉત્તર, મધ્ય અને દક્ષિણ વિયેતનામમાં વહેંચી શકાય. ફુકોક વિયેતનામનો સૌથી મોટો ટાપુ છે, જે કંબોડિયાની નજીક છે.
વિયેતનામ ફરવાનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બરથી એપ્રિલ છે. મે-જૂનમાં ગરમી અને ભારે વરસાદ પડે છે, જ્યારે જૂનથી ઓગસ્ટ વચ્ચે વાવાઝોડાં આવે છે.
ઉત્તર વિયેતનામમાં રાજધાની હનોઈનું આર્કિટેક્ચર જોવા જેવું છે. હોન કેમ તળાવ વચ્ચે મંદિર છે અને આસપાસની સાંકડી ગલીઓમાં બજાર છે. હનોઈ પાસે જ હા લોંગ બે છે, જ્યાં દરિયામાં ચૂનાના પથ્થરના ટાપુઓ છવાયેલા છે.