અમદાવાદમાં શનિવારે સવારથી પડેલા સામાન્ય વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. ખાસ કરીને વેજલપુર વિસ્તારમાં તો કમરસમા પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુખ્ય રસ્તાઓ પર પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
અગાઉના ભારે વરસાદ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 15થી 20 ઇંચ વરસાદ પડ્યો હોવાથી પાણી ભરાયું હોવાનો બચાવ કર્યો હતો. પરંતુ આજે સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જવાથી કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઊભા થયા છે.
પ્રહલાદનગર, જોધપુર, વેજલપુર, મકરબા સહિતના વિસ્તારોમાં રસ્તા પરથી નદીની જેમ પાણી વહેતું થઈ ગયું હતું. વાહનચાલકો પાણીમાંથી પસાર થવા જતાં તેમના વાહનો બંધ પડી જતાં ધક્કા મારીને વાહન બહાર કાઢવું પડ્યું હતું અને પછી ચાલતા જવું પડ્યું હતું.
વેજલપુર વિસ્તાર વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે, જ્યાં ધારાસભ્ય અને કોર્પોરેટર સહિત તમામ પ્રતિનિધિ ભાજપના છે. છતાં દર વર્ષે વરસાદમાં આ વિસ્તાર જળબંબાકાર થાય છે. આ વખતે પણ વેજલપુરની તમામ રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. વેજલપુરમાં આવેલી શ્રી નંદનગર સોસાયટીમાં કમરસમા પાણી ભરાઈ જતાં આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો અને અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. સ્થાનિક લોકોએ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
મુખ્ય રસ્તાઓ પર અડધા વાહન ડૂબી જાય એટલું પાણી ભરાયું હતું. નોકરીએ જવા નીકળેલા લોકોને ચાલતા જવું પડ્યું હતું. એસટી બસ પણ પાણીમાં પસાર થવા જતાં બંધ પડી ગઈ હતી, જેથી મુસાફરોને અધવચ્ચે ઉતરીને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું.
શાળાઓ શરૂ થયા બાદ ભારે વરસાદ પડતાં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. પરંતુ પાણી ભરાયેલું હોવાથી કેટલાક વાલીઓએ બાળકોને ખભા પર બેસાડીને તો કેટલાકે ઘૂંટણસમા પાણીમાંથી ચાલતા લઈ જવું પડ્યું હતું. વર્ષોથી આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ન આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
શ્રી નંદનગરમાં રહેતા ધવલભાઈએ જણાવ્યું હતું કે, "સામાન્ય વરસાદમાં જ કેડસમા પાણી સોસાયટીમાં ભરાઈ ગયા છે. આ એક વખતની સમસ્યા નથી, પરંતુ જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. ગયા વર્ષે પરિસ્થિતિ સારી હતી, પરંતુ આ વર્ષે કોઈ સ્થિતિ જોવા આવતું નથી. દીકરીને શાળાએથી લેવા જવું છે અને પછી નોકરીએ પણ જવાનું છે, પરંતુ સોસાયટીમાં જ પાણી ભરાયું હોવાથી વાહન બહાર નીકળી શકતું નથી. થોડા સમય પહેલાં પણ વાહન બંધ પડતાં તેનું રિપેરિંગ કરાવ્યું હતું. કોઈ અધિકારી તો દૂર, પરંતુ વિસ્તારના ધારાસભ્ય પણ સ્થિતિ જોવા આવતા નથી."