અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા વસંત ગજેન્દ્રગઢકર નગરમાં છેલ્લા બે વર્ષથી ચાલતા પારિવારિક કંકાસમાં 68 વર્ષીય પતિએ 60 વર્ષીય પત્નીની છરીના ઉપરાઉપરી ઘા મારી હત્યા કરી નાખી છે. શનિવારે સવારે થયેલા ઉગ્ર ઝઘડા બાદ પતિએ પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ સાળાના દીકરાને ફોન કરીને હત્યાની જાણ કરી હતી. આ મામલે વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વટવા ગજેન્દ્રગઢકર નગર ચાર માળિયા ખાતે 68 વર્ષીય મહેમુદભાઈ મહમદભાઈ ભાટી નિવૃત્ત જીવન ગાળે છે અને પત્ની મહેરાજબાનુ (ઉંમર 60 વર્ષ) સાથે રહેતા હતા. દંપતી વચ્ચે છેલ્લા બે વર્ષથી અવારનવાર ઝઘડા થતા હતા અને મહેમુદભાઈ અગાઉ પણ પત્ની સાથે મારઝૂડ કરી હેરાન-પરેશાન કરતા હતા. શનિવારે સવારે બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો. જેમાં મહેમુદભાઈએ ઉશ્કેરાઈને મહેરાજબાનુ સાથે મારઝૂડ કરી હતી અને તેમને ઘરમાંથી બહાર લોબીમાં લાવી છરી વડે બંને હાથ તેમજ જમણા પડખાના ભાગે ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા.
ઘટનાની જાણ ઘર નજીક જ રહેતા પુત્ર આસિફભાઈને થતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. લોહીલુહાણ અને અર્ધબેભાન હાલતમાં પડેલાં માતાને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડાયાં હતાં, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતાં. આ બનાવ અંગે મૃતકના ભાઈએ વટવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપી મહેમુદ ભાટીની ધરપકડ કરી છે.
પત્નીની હત્યા કર્યા બાદ આરોપી મહેમુદ ભાટીએ શાહીબાગ ગવર્નમેન્ટ કોલોનીમાં રહેતા સાળા ઇકબાલભાઈ શેખના પુત્ર શાહનવાઝને ફોન કર્યો હતો. આરોપીએ કોઈપણ પ્રકારના ડર વગર ઠંડા કલેજે કહ્યું હતું કે, "તારી ફોઈ મહેરાજબાનુને મેં મારી નાખી છે, તમે આવીને લઈ જાવ." આ ફોન કોલ બાદ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.