અમદાવાદના વસ્ત્રાપુર રેલવે રોડ પર વરસાદ બંધ થયાના બે કલાક પછી પણ પાણી ભરાયેલું રહ્યું હતું. આ સમસ્યા વર્ષોથી ચાલી રહી છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. મોટી ગાડીઓ પણ પાણીમાં ડૂબેલી જોવા મળી હતી, અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયું હતું.
વસ્ત્રાપુર રેલવે રોડ પર પાણી ભરાવાની સ્થિતિ એટલી ગંભીર છે કે મોટી એસયુવી ગાડીઓ પણ પાણીમાં ડૂબેલી દેખાઈ. બાઇક કે સ્કૂટર પર નીકળનારા લોકોની હાલત કફોડી બની જાય છે. ઘણા વાહનો પાણીમાં ફસાઈ જાય છે અને બંધ પડી જાય છે.
આનંદનગરથી વેજલપુર તરફ જતા રોડ પર અને બુટ ભવાની તરફ જતા રોડ પર પણ કમર સુધીના પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ સ્થાનિકોના મતે કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની છે.
સ્થાનિકોએ મીડિયા સમક્ષ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, આ પુલનું કામ ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે અને યોગ્ય આયોજનના અભાવે દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાય છે. કંચનભૂમિ સોસાયટી, રાજિપા સોસાયટી, ક્રુષા સોસાયટી અને સ્કાયલાઇટ સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓના રહેવાસીઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. ગુરુકૃપા જ્વેલર્સ જેવી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા, અને ફર્નિચર સુધી પાણી પહોંચતાં વેપારીઓને મોટું નુકસાન થયું હતું.
એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું, “અમે સરકાર અને મ્યુનિસિપાલિટીને વિનંતી કરીએ છીએ કે જેટલું જલદી કામ થશે, એટલી બધાને રાહત મળશે. જાહેર અવરજવરમાં ભારે હેરાનગતિ થાય છે.” તેમણે ધારાસભ્ય અમિતભાઈ ઠાકરને પણ આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા અપીલ કરી હતી. સ્થાનિકો માને છે કે કોર્પોરેશનના યોગ્ય પ્લાનિંગના અભાવે જ આ સ્થિતિ સર્જાઈ છે.
રિપોર્ટરે જણાવ્યું કે અમદાવાદમાં એક-બે નહીં, પણ અસંખ્ય જગ્યાઓ એવી છે જ્યાં વરસાદ બંધ થયા પછી પણ પાણીનો નિકાલ થતો નથી, છતાં તે કોર્પોરેશનના લિસ્ટમાં નોંધાયેલી નથી. આ સ્થિતિ તંત્રની બેદરકારી અને આયોજનના અભાવને દર્શાવે છે, જેના કારણે નાગરિકોને દર વર્ષે ચોમાસામાં હાલાકી ભોગવવી પડે છે.