અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં તક્ષશીલા ક્રોસ રોડ નજીક બપોરે આશરે 1 વાગ્યે ફાયરિંગની ઘટના બની છે. મકાનની માલિકી અંગેના જૂના આંતરિક વિવાદમાં સમાધાનની બેઠક દરમિયાન બોલાચાલી થતાં એક વ્યક્તિએ ગોળી ચલાવી હતી.
પોલીસ અનુસાર, સીમા સુરક્ષા દળ (BSF)માં ફરજ બજાવતા પ્રમોદ પ્રજાપતિ (46)એ તેમના પિતરાઈ ભાઈ અને નિવૃત્ત આર્મી જવાન રાજેશભાઈ પ્રજાપતિ (54) પર ગોળી ચલાવી હતી. ગોળી રાજેશભાઈની જાંઘમાં વાગતાં તેઓ લોહીલુહાણ થઈને પડી ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઇજાગ્રસ્ત રાજેશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર છે અને ગંભીર નથી.
રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા આ વિસ્તારમાં પ્રજાપતિ પરિવારના ભાઈઓ વચ્ચે મકાનની વહેંચણી બાબતે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. આ વિવાદનો ઉકેલ લાવવા માટે બંને પક્ષો બપોરે સમાધાન માટે એકઠા થયા હતા. વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારબાદ પ્રમોદે હથિયાર કાઢી ફાયરિંગ કરી દીધું હતું.
પોલીસે આરોપી પ્રમોદને હથિયાર સાથે ઝડપી પાડ્યો છે. સાથે જ સમાધાન બેઠકમાં હાજર અન્ય લોકોને પણ રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. પોલીસ બાકીના લોકોની ભૂમિકાની તપાસ કરી રહી છે અને ફરિયાદનું ડ્રાફ્ટિંગ કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.