સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના સાબરમતીમાં વંદે ભારતનું મેજર રિપેરિંગ હબ બનશે, 307 કરોડના ખર્ચે તૈયાર

અમદાવાદના સાબરમતીમાં વંદે ભારતનું મેજર રિપેરિંગ હબ બનશે, 307 કરોડના ખર્ચે તૈયાર

અમદાવાદના સાબરમતી ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપોમાં વંદે ભારત ટ્રેનોના મેન્ટેનન્સ માટે 307 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક હબ વિકસાવવામાં આવી રહ્યું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા પ્રોજેક્ટના ફેઝ-2 હેઠળ આ સુવિધા તૈયાર કરવામાં આવી રહી છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ 24 કોચની વંદે ભારત ટ્રેનના મેજર મેન્ટેનન્સની કામગીરી સાબરમતીમાં જ થઈ શકશે, જેથી અન્ય સ્થળો પર નિર્ભરતા ઘટશે.

આ હબમાં હેવી રિપેર શેડ, વ્હીલ કેર શેડ, વિવિધ સેક્શન શેડ, ટેન્ડમ વ્હીલ લેથ શેડ, ડ્રોપ પિટ અને રિટ્રેક્ટેબલ ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. પ્રોજેક્ટના કેટલાક મુખ્ય માળખાનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે અન્ય કામગીરી પ્રગતિમાં છે.

પ્રોજેક્ટ હેઠળ 24 કોચની વંદે ભારત ટ્રેનસેટના સોફ્ટ શેડ્યૂલ-1 (SS-I) અને સોફ્ટ શેડ્યૂલ-2 (SS-II) મેન્ટેનન્સ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નિર્ધારિત આયોજન મુજબ, એક 24 કોચની ટ્રેનનું SS-I મેન્ટેનન્સ આશરે 30 દિવસમાં અને SS-II મેન્ટેનન્સ આશરે 45 દિવસમાં પૂર્ણ કરી શકાશે. આ ક્ષમતાના આધારે વાર્ષિક આશરે 12 રેકનું SS-I અથવા 8 રેકનું SS-II મેન્ટેનન્સ કરી શકાશે.

વ્હીલ કેર શેડનું 75 મીટર × 40 મીટરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. તેમાં પૈડાં અને એક્સલની ઓવરહોલિંગ, રિસર્ફેસિંગ તથા ટર્નિંગની કામગીરી માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે CNC સરફેસ વ્હીલ લેથ, CNC એક્સલ ટર્નિંગ લેથ, ડાયનેમિક વ્હીલ બેલેન્સિંગ મશીન અને હાઇડ્રોલિક વ્હીલ પ્રેસ જેવાં આધુનિક ઉપકરણોની જોગવાઈ કરવામાં આવી છે.

હેવી રિપેર શેડ 322 મીટર લાંબો અને 25 મીટર પહોળો છે, જેનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. તેમાં બે મેન્ટેનન્સ લાઇન બનાવવામાં આવી છે. એક લાઇનમાં સિન્ક્રોનાઇઝ્ડ પિટ જેકની મદદથી કોચને ઊંચા કરીને બોગી બહાર કાઢવાની સુવિધા હશે, જ્યારે બીજી લાઇનમાં કોચના આંતરિક ભાગ, પેસેન્જર સુવિધાઓ, બ્રેક સિસ્ટમ અને અન્ય વિદ્યુત ઉપકરણોની જાળવણી થઈ શકશે.

322 મીટર × 20 મીટરના વિવિધ સેક્શન શેડમાં ટ્રેક્શન ટ્રાન્સફોર્મર, ટ્રેક્શન કન્વર્ટર, ટ્રેક્શન મોટર, ઓક્ઝિલરી કન્વર્ટર, પેન્ટોગ્રાફ અને રૂફ-માઉન્ટેડ પેકેજ યુનિટ (RMPU) જેવા ઉપકરણોને ખોલવા, સમારકામ કરવા અને ફરીથી એસેમ્બલ કરવાની સુવિધા વિકસાવવામાં આવી રહી છે.

પ્રોજેક્ટમાં ટ્રેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પણ આગળ વધ્યું છે. ચાર સ્ટેબલિંગ લાઇન પર કુલ 2,547 મીટર રેલ લિંકિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત, 30 મીટર × 20 મીટરની ઇલેક્ટ્રિકલ સબ-સ્ટેશન (ESS) બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

આધુનિક મશીનરી અને ટેકનિકલ સુવિધાઓ સાથેનું આ હબ કાર્યરત થયા બાદ વંદે ભારત ટ્રેનસેટના મેન્ટેનન્સની ક્ષમતામાં વધારો થશે અને ટ્રેનોની જાળવણી વધુ વ્યવસ્થિત રીતે થઈ શકશે.