વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે ભયાનક અકસ્માત થયો છે. સુરતથી રાજસ્થાન તરફ જઈ રહેલી સાઈદર્શન ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં પાંચ લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી અનુસાર, બસ જ્યારે આણંદ જિલ્લાના બોરીયાવી નજીક પહોંચી ત્યારે વહેલી સવારે ટ્રક સાથે અકસ્માત થયો. બસમાં સવાર મોટાભાગના મુસાફરો ગાઢ ઊંઘમાં હતા. અચાનક મોટા ધડાકા સાથે બસ ટ્રક સાથે અથડાતાં મુસાફરોમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. ઊંઘમાંથી જાગેલા મુસાફરો ગભરાટ અને ભયના માહોલમાં મુકાઈ ગયા હતા. અકસ્માતમાં બસનો ભુક્કો બોલી ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે.
કેટલાકને માથા, હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. જેમાં રજનીકાંતભાઈની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે જીતેન્દ્ર ઝાલાને હાથમાં ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
નડિયાદ સિવિલ હોસ્પિટલના RMOએ જણાવ્યું કે, સુરતથી નાથદ્વારા જતી લક્ઝરી બસનો અકસ્માત થયો છે. છ દર્દીઓને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી એકને મૃત હાલતમાં લાવવામાં આવ્યો હતો. બીજા પાંચમાંથી બેને વડોદરા રિફર કરવામાં આવ્યા છે, એક દર્દીને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. એક દર્દી નડિયાદ સિવિલમાં દાખલ છે અને અન્ય એકને સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે.
સુરતના રહેવાસી ઈજાગ્રસ્ત ધનેશ જાદવે જણાવ્યું કે, તેઓ સુરતથી બસમાં બેઠા હતા અને વહેલી સવારે અચાનક જોરદાર ધડાકો થયો હતો. બસમાં સવાર તમામ લોકો ઊંઘમાં હતા તે સમયે જ આ દુર્ઘટના ઘટી હતી અને ચારેય તરફ બૂમાબૂમ થઈ ગઈ હતી.
મૃતકના સગા નિમેષભાઈએ જણાવ્યું કે, અમે સુરતથી રાત્રે 9 વાગ્યે તેઓને બસમાં બેસાડ્યા હતા. જે બાદ રાત્રે સવા ત્રણ વાગ્યે અકસ્માત થયો હોવાનો કોલ આવ્યો હતો. મારા બનેવીનું મોત થયું છે. જેથી અમે તત્કાલિક સુરતથી અહીંયા આવ્યા હતા. મારી બહેનને નાના બે છોકરાઓ છે. સરકાર તરફથી વળતર મળે તેવી અમારી માગ છે. મારા બહેન અને તેમના છોકરાઓને કંઈ નથી થયું.
હાલમાં પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતને કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર પર અસર પડી હતી, પરંતુ પોલીસે ક્ષતિગ્રસ્ત વાહનોને રોડ પરથી દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો છે.