સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ-વડોદરામાં બોંબ ધમકી: બેંકો, મોટેરા સ્ટેડિયમ અને દિલજિતના કોન્સર્ટ પર ખતરો

અમદાવાદ-વડોદરામાં બોંબ ધમકી: બેંકો, મોટેરા સ્ટેડિયમ અને દિલજિતના કોન્સર્ટ પર ખતરો

અમદાવાદ અને વડોદરામાં બેંક ઓફ ઈન્ડિયાની શાખાઓ, મોટેરા સ્ટેડિયમ અને મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ‘સિરો કોંતે’ નામના ઈ-મેઈલ એડ્રેસથી મોકલાયેલા આ સંદેશમાં આગામી 21 નવેમ્બરે યોજાનાર ગાયક દિલજિત દોસાંજના કોન્સર્ટમાં અને સ્ટેડિયમમાં આઈ.ઈ.ડી. દ્વારા વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી છે.

આ ધમકીભર્યો ઈ-મેઈલ વડોદરા ઉપરાંત અમદાવાદમાં પણ સુરક્ષા વ્યવસ્થાને નુકસાન પહોંચાડવા અને નાગરિકોમાં ભય ફેલાવવાના હેતુથી મોકલવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. અમદાવાદની બેંક ઓફ ઈન્ડિયાની નવરંગપુરા અને વટવા શાખા સહિત કુલ ત્રણ શાખાઓને બોંબથી ઉડાવી દેવાની વાત એમાં કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં ભય ફેલાવવા માટે મોટેરા સ્ટેડિયમ અને મેટ્રો સ્ટેશનને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.

ખાસ કરીને 21 નવેમ્બરે યોજાનાર દિલજિત દોસાંજના સંગીત કોન્સર્ટ દરમિયાન વિસ્ફોટ કરવાની અને મોટેરા સ્ટેડિયમમાં આઈ.ઈ.ડી. બ્લાસ્ટ કરવાની ધમકી મળતાં પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. સાયબર ક્રાઈમ વિભાગ અને પોલીસે આ ઈ-મેઈલ એડ્રેસના આઈપી એડ્રેસ તથા તેના મૂળ સુધી પહોંચવા ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસ શરૂ કરી છે. સંવેદનશીલ સ્થળો પર પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

આ પ્રકારની ધમકીઓ સુરક્ષા પ્રણાલી સામે મોટો પડકાર છે. તંત્રની સતર્કતાથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય, પરંતુ આવી ધમકીઓ ફેલાવનાર તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકે.