સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના વાડજમાં યુવકને ન્યુડ વીડિયો કોલથી ફસાવી 50 લાખ પડાવ્યા, ડિજિટલ એરેસ્ટની ધમકી

અમદાવાદના વાડજમાં યુવકને ન્યુડ વીડિયો કોલથી ફસાવી 50 લાખ પડાવ્યા, ડિજિટલ એરેસ્ટની ધમકી

અમદાવાદના વાડજ વિસ્તારમાં 26 વર્ષીય એકાઉન્ટન્ટ સાયબર ઠગાઈનો ભોગ બન્યો છે. ખાનગી કંપનીમાં કામ કરતા આ યુવકને વોટ્સએપ પર અજાણ્યા નંબરથી વીડિયો કોલ આવ્યો હતો. કોલ ઉપાડતાં સામે એક યુવતી નગ્ન હાલતમાં દેખાઈ. આ કોલનું લગભગ બે મિનિટનું સ્ક્રીન રેકોર્ડિંગ કરીને ઠગોએ યુવકને બે વીડિયો મોકલ્યા અને તેને વાયરલ કરવાની ધમકી આપી. બદનામી ટાળવા માટે તેમણે એક વીડિયો દીઠ 71 હજાર રૂપિયાની માંગ કરી. યુવકે એક વીડિયોના પૈસા ચૂકવી દીધા.

ત્યારબાદ બીજા નંબરથી કોલ આવ્યો. કોલ કરનારાએ પોતાને યુટ્યુબનો અધિકારી ગણાવીને ધમકી આપી કે આ વીડિયો અપલોડ થાય તો સાત વર્ષની સજા થાય અને સાયબર ક્રાઇમ પણ તપાસ કરશે. આ રીતે ડરાવીને યુવકની ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી અને નાણાંની માંગણી શરૂ થઈ. ગભરાયેલા યુવકે કંપનીના એકાઉન્ટમાંથી 40 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા. ત્યાર બાદ વધુ 10 લાખ રૂપિયા પણ મોકલ્યા. કુલ 50 લાખ રૂપિયા પડાવી લેવાયા.

નાણાંની માંગણી બંધ ન થતાં યુવકે કંપનીમાં 21 લાખ રૂપિયાની માંગણી કરી. ત્યારે કંપનીના અધિકારીને આખી ઘટનાની જાણ થઈ. છેવટે યુવકે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પ્રકારની ઠગાઈમાં ગુનેગારો સામાન્ય રીતે વીડિયો કોલ કરી, તેનું રેકોર્ડિંગ કરી અને પછી પોલીસ, સાયબર ક્રાઇમ કે અન્ય અધિકારી હોવાનું ખોટું ઓળખ આપીને ધમકી આપે છે. ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ કાનૂની પ્રક્રિયા ભારતીય કાયદામાં નથી. કોઈપણ અજાણ્યા વ્યક્તિ વીડિયો કોલ કે ધમકી દ્વારા પૈસાની માંગ કરે તો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરવો અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી જોઈએ.