અમદાવાદમાં આજે 23 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાડજ અને મકરબા રેલવે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરશે. આ બંને ઓવરબ્રિજ શરૂ થવાથી 3 લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. મુખ્યમંત્રી આ પ્રસંગે કુલ 583.85 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
કાર્યક્રમ અનુસાર, સવારે 9:30 વાગ્યે વાડજ ખાતે આગખાનની ગલી પાસે વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ થશે. ત્યારબાદ 10:30 વાગ્યે બોડકદેવના પંડિત દીનદયાલ હોલ ખાતે 583.85 કરોડના વિવિધ વિકાસ કાર્યોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ ઉપરાંત, નવા બસ સ્ટેશનના ચાર્જિંગ સ્ટેશન અને બસ ડેપોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આવાસોના ડ્રો તેમજ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર અને જુનિયર ક્લાર્કને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ પણ યોજાશે. ફાયર બ્રિગેડના સાધનોનું લોકાર્પણ પણ કરવામાં આવશે.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સવારે 10:45 કલાકે ઘુમા ગામ ખાતે સઘન સફાઈ કાર્યક્રમ યોજાશે. સવારે 11:00 કલાકે ઘુમા ખાતેની એમ.કે. પટેલ અનુપમ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો હેતુ સ્વચ્છતા અને સ્વચ્છ પર્યાવરણ અંગે જાગૃતિ અને જનભાગીદારી વધારવાનો છે.
વાડજ જંકશન પર મ્યુનિસિપલ કોર્પોરેશને 62 કરોડ રૂપિયાના ખર્ચે ફોર લેન ઓવરબ્રિજ બનાવ્યો છે. આ બ્રિજ બનવાથી ઉસ્માનપુરા, રાણીપ, ગાંધીઆશ્રમ, ભીમજીપુરા અને શાહીબાગ આવતા-જતા વાહનચાલકોને રાહત થશે. વાડજ સર્કલ પરની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો પણ અંત આવશે અને અંદાજે 1.50 લાખ વાહનચાલકોને તેનો લાભ મળશે.
વાડજ જંકશન પર બનેલા ઓવરબ્રિજના બે ફાંટા પડશે. એક ફાંટો ઉસ્માનપુરાથી રાણીપ તરફ આશરે 700 મીટર લંબાઈ અને 15 મીટર પહોળાઈમાં ફોરલેન બનાવવામાં આવ્યો છે, જ્યારે બીજો ફાંટો ઉસ્માનપુરાથી ગાંધી આશ્રમ તરફ અંદાજે 365 મીટર લંબાઈ અને 5.5 મીટર પહોળાઈમાં બનાવાયો છે.
મકરબા રેલવે ઓવરબ્રિજનું કામ 30 સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને તે માર્ચ 2025માં પૂર્ણ થવાનું આયોજન હતું. જોકે, કામગીરી દરમિયાન ડ્રેનેજ લાઇન તૂટી જવાથી કામમાં વિક્ષેપ પડ્યો હતો. આ ઉપરાંત બ્રિજ વિભાગને યુટિલિટી માટે આપવામાં આવેલા નકશા કરતાં વધુ લાઇનો મળી આવતાં પિલ્લરની ડિઝાઇનમાં ફેરફાર કરવાની જરૂર પડી હતી. રેલવે તરફથી પણ કામગીરીમાં વિલંબ થયો હતો. આ કારણોસર બ્રિજનું કામ નિર્ધારિત સમય કરતાં આશરે દોઢ વર્ષ મોડું પૂર્ણ થયું છે.
800 મીટરથી વધુ લાંબા મકરબા રેલવે ઓવરબ્રિજ પાછળ 98.60 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. બ્રિજ શરૂ થયા બાદ સરખેજ-જુહાપુરાથી એસજી હાઇવે તરફ જવા માટે અને એસજી હાઇવેથી સરખેજ-જુહાપુરા જવા માટે અંદાજે 1.5 લાખ વાહનચાલકોને રાહત મળશે. આ ઉપરાંત શાહીબાગ અને થલતેજમાં આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ પણ કરવામાં આવશે.