અમદાવાદના રાજપથ રંગોલી ક્લબ રોડ પર આવેલા અર્બન ચોક ફૂડ બજારમાં શુક્રવારે રાત્રે આગ લાગી હતી. શહેરમાં ખાણીપીણી માટે જાણીતા આ ફૂડ બજારમાં ચાટના સ્ટોલમાં આગ લાગ્યા બાદ તે ઝડપથી પ્રસરી હતી.
ફાયર વિભાગના સૂત્રો મુજબ, રાત્રે આઠ વાગ્યાની આસપાસ ચાટના ફૂડ સ્ટોલમાં આગ લાગી હતી. થોડા જ સમયમાં આગ આખા આઉટલેટમાં ફેલાઈ અને બાજુમાં આવેલા મોમોસના આઉટલેટ સુધી પણ પહોંચી હતી. એક સ્ટોલમાં લાગેલી આગ બીજા આઉટલેટ સુધી પહોંચતાં કુલ ત્રણ આઉટલેટ આગની ચપેટમાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં બોપલ ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ અને ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ઘટનાસ્થળે પોલીસની ગાડીઓ પણ પહોંચી હતી.
અર્બન ચોક ફૂડ બજારમાં પચાસથી વધુ ફૂડ સ્ટોલ આવેલા છે. તે દિવસે કરવા ચોથનું વ્રત હોવાથી બજારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી. આગ લાગવાની ઘટનાથી થોડી વાર દોડધામ થઈ હતી, પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.