સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના અર્બન ચોક ફૂડ બજારમાં ભીષણ આગ, 3-4 સ્ટોલ બળ્યા, કોઈ જાનહાનિ નહીં

અમદાવાદના અર્બન ચોક ફૂડ બજારમાં ભીષણ આગ, 3-4 સ્ટોલ બળ્યા, કોઈ જાનહાનિ નહીં

અમદાવાદના રાજપથ રંગોલી ક્લબ રોડ પર આવેલા 'અર્બન ચોક' ફૂડ બજારમાં ગુરુવારે રાત્રે આશરે 8 વાગ્યે ભીષણ આગ લાગી હતી. કરવાચોથના તહેવારને કારણે ફૂડ કોર્ટમાં મોટી સંખ્યામાં લોકો ખાણીપીણીની મજા માણી રહ્યા હતા, ત્યારે અચાનક આગ ફાટી નીકળતાં પરિસરમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, એક ચાટના સ્ટોલમાંથી આગ શરૂ થઈ હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને આસપાસના મોમોસ સહિત અન્ય સ્ટોલ્સને પણ લપેટમાં લઈ લીધા હતા. આ ઘટનામાં 3થી 4 આઉટલેટ્સને ભારે નુકસાન થયું છે.

ઘટનાની જાણ થતાં જ બોપલ ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડની 3થી 4 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. 50થી વધુ સ્ટોલ ધરાવતા આ પરિસરમાંથી ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસે સૌ પ્રથમ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવ્યા બાદ આગ લાગવાના ચોક્કસ કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવશે.