અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટ પાસે મોડી રાત્રે એક ટ્રક બેકાબૂ બનીને BRTS કોરિડોરની રેલિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં BRTSની આશરે 10 રેલિંગને નુકસાન થયું હતું.
મળતી માહિતી મુજબ, નરોડા ફ્રૂટ માર્કેટ નજીકથી પસાર થઈ રહેલો ટ્રક ચાલક બેદરકારીથી ટ્રક ચલાવી રહ્યો હતો. તે સમયે ટ્રક બેકાબૂ બન્યો અને BRTS કોરિડોરની રેલિંગ સાથે અથડાયો. ટક્કર એટલી જોરદાર હતી કે રેલિંગને મોટું નુકસાન પહોંચ્યું.
સદનસીબે આ અકસ્માત મોડી રાત્રે સર્જાયો હતો, જ્યારે માર્ગ પર વાહનવ્યવહાર ઓછો હતો. જેથી મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, અકસ્માતના કારણે અન્ય વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બેફામ ઝડપે આવી રહેલો ટ્રક BRTSની રેલિંગ સાથે અથડાતો જોવા મળે છે. અકસ્માત બાદ સ્થાનિક સ્તરે ટ્રક ચાલકની બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે.
નરોડા ફ્રૂટ માર્કેટ તરફના આ માર્ગ પર અગાઉ પણ અકસ્માતની ઘટનાઓ સામે આવી ચૂકી છે. વારંવાર બનતા અકસ્માતોને પગલે માર્ગ પર વાહનચાલકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. ત્યારે બેફામ વાહનચાલકો સામે કડક કાર્યવાહી અને અકસ્માતો અટકાવવા માટે જરૂરી પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.