અમદાવાદમાં વિકાસના નામે શહેરની હરિયાળી પર ગંભીર અસર થઈ રહી છે. BRTS, મેટ્રો, બુલેટ ટ્રેન, બ્રિજ, રોડ અને સરકારી ઇમારતોના નિર્માણ માટે હજારો વૃક્ષો કાપવામાં આવ્યા છે. જ્યારે ટ્રાન્સપ્લાન્ટેશનની પ્રક્રિયા ખૂબ ધીમી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દર વર્ષે 3,000થી 5,000 મોટા વૃક્ષો કાપવાની મંજૂરી આપે છે. પાર્ક એન્ડ ગાર્ડન વિભાગના છેલ્લા પાંચ વર્ષના આંકડા મુજબ કુલ 3,484 વૃક્ષો કાપવામાં આવ્યા છે, જ્યારે માત્ર 676 વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન થઈ શક્યું છે.
પ્રોજેક્ટ મુજબના આંકડા આ પ્રમાણે છે: રોડ પ્રોજેક્ટમાં 2,034 વૃક્ષો કાપાયા, 156નું ટ્રાન્સપ્લાન્ટેશન; બિલ્ડિંગ પ્રોજેક્ટમાં 55 કાપાયા, 45નું ટ્રાન્સપ્લાન્ટેશન; રેલવે પ્રોજેક્ટમાં 136 કાપાયા, એકપણનું ટ્રાન્સપ્લાન્ટેશન નહીં; બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 289 કાપાયા, શૂન્ય ટ્રાન્સપ્લાન્ટેશન; વોટર પ્રોજેક્ટમાં 101 કાપાયા, 8નું ટ્રાન્સપ્લાન્ટેશન; કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં 843 કાપાયા, 442નું ટ્રાન્સપ્લાન્ટેશન.
આંકડા દર્શાવે છે કે મોટા પ્રોજેક્ટ્સમાં ટ્રાન્સપ્લાન્ટેશનનું પ્રમાણ નહિવત્ છે. રેલવે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં તો એક પણ વૃક્ષનું ટ્રાન્સપ્લાન્ટેશન થયું નથી. કેટલાક વૃક્ષો AMCના રેકોર્ડમાં નોંધાયેલા ન હોવાના આક્ષેપો પણ છે.
AMCના અધિકારીઓનો દાવો છે કે છેલ્લા પાંચ વર્ષમાં 'મિશન મિલિયન ટ્રીઝ' હેઠળ એક કરોડથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. જોકે, કરોડો રૂપિયાના ખર્ચે ખરીદેલું ટ્રી ટ્રાન્સપ્લાન્ટ મશીન હાલ ક્યાં છે અને તેનો ઉપયોગ કેમ થતો નથી, તે અંગે પ્રશ્નો ઊઠી રહ્યા છે.
જો આ જ સ્થિતિ ચાલુ રહી તો આગામી સમયમાં અમદાવાદીઓને શુદ્ધ ઓક્સિજન માટે પણ મુશ્કેલી પડી શકે છે. વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.