સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી ટૂર બુકિંગમાં ચેતવણી: નેપાળ પ્રવાસના નામે પોસ્ટલ કર્મચારીઓને 1.50 લાખની ઠગાઈ

દિવાળી ટૂર બુકિંગમાં ચેતવણી: નેપાળ પ્રવાસના નામે પોસ્ટલ કર્મચારીઓને 1.50 લાખની ઠગાઈ

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતા ટપાલ વિભાગના 20 કર્મચારીઓ સાથે નેપાળ પ્રવાસના નામે રૂ. 1.50 લાખની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ઇસનપુર પોલીસે વિમલ મૂળજીભાઈ નામના આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પ્રમાણે, ઇસનપુરની માનસી સોસાયટીમાં રહેતાં 45 વર્ષીય સોનલબહેન નિલેશભાઈ ચુનારા છેલ્લાં પાંચેક વર્ષથી ઘરેથી 'સોનુ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ' ચલાવે છે. તેમના પતિ નિલેશ ટપાલ વિભાગના આર.એમ.એસ. ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે. તેમના વિભાગના 20 જેટલા કર્મચારીઓએ નેપાળ ફરવા જવાનું આયોજન કર્યું હતું. સરકારી નિયમ મુજબ એડવાન્સ ટિકિટ રજૂ કર્યા બાદ LTC ભથ્થું મળતું હોવાથી, ટિકિટ મેળવવા માટે સોનલબહેને નારણપુરા સ્થિત દ્વારકેશ હોલીડેયઝ પ્રા.લિ.ના સંચાલક તરીકે ઓળખ આપનાર વિમલભાઈ મૂળજીભાઈનો સંપર્ક કર્યો હતો.

વિમલભાઈએ 48 કલાકમાં તમામ કન્ફર્મ ટિકિટો આપવાની ખાતરી આપી રૂ. 1.50 લાખની માંગણી કરી હતી. જેના પગલે સોનલબહેને 7 એપ્રિલ 2026ના રોજ પતિના એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ મારફતે ફોન-પે દ્વારા રૂ. 1 લાખ ટ્રાન્સફર કર્યા હતા. નાણાં મળ્યા બાદ આરોપીએ 9 ટિકિટ મોકલી બાકીની ટિકિટો માટે વધુ રૂ. 50 હજાર માંગતા સોનલબહેને 10 એપ્રિલ 2026ના રોજ પોતાના એસબીઆઈ ખાતામાંથી ગુગલ-પે કર્યા હતા. ત્યારબાદ આરોપી પાસે બાકીની ટિકિટો માંગતા તે ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો.

ગત 11 એપ્રિલ 2026ના રોજ સોનલબહેન અને તેમના પતિ આરોપીની નારણપુરા સ્થિત કથિત ઓફિસે તપાસ કરવા પહોંચ્યા ત્યારે આંચકો લાગ્યો હતો. દ્વારકેશ હોલીડેયઝ ખાતે આવી કોઈ વ્યક્તિ નોકરી કરતી ન હોવાનું અને અગાઉ આપેલી 9 ટિકિટો પણ બોગસ હોવાનું બહાર આવ્યું હતું. ફોન સ્વિચ ઓફ થઈ જતાં આખરે સોનલબહેને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વિમલ મૂળજીભાઈ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસે લોકોને અપીલ કરી છે કે ટૂર બુકિંગ કરાવતી વખતે ટ્રાવેલ્સ એજન્સીની નોંધણી, સંપર્ક સરનામું અને ટિકિટની પ્રામાણિકતા ચકાસ્યા પછી જ પૈસા આપો. દિવાળીના સમયમાં ટૂર બુકિંગમાં થતી છેતરપિંડીથી સાવધ રહેવાની સલાહ પણ પોલીસે આપી છે.