સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ થઈ દોડતી 6 ટ્રેનો એક્સપ્રેસ બનશે, ટિકિટ ભાડામાં ₹75 સુધીનો ઘટાડો

અમદાવાદ થઈ દોડતી 6 ટ્રેનો એક્સપ્રેસ બનશે, ટિકિટ ભાડામાં ₹75 સુધીનો ઘટાડો

રેલવે પ્રશાસને અમદાવાદ સહિત રાજ્યમાંથી પસાર થતી 6 સુપરફાસ્ટ ટ્રેનોને સામાન્ય એક્સપ્રેસ શ્રેણીમાં ફેરવવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર જાન્યુઆરી 2027થી લાગુ થશે. તેનાથી મુસાફરોને ટિકિટ દીઠ 15 થી 75 રૂપિયા સુધીનો સીધો આર્થિક ફાયદો થશે.

અમદાવાદ થઈને દોડતી જોધપુર–હડપસર સુપરફાસ્ટ એક્સપ્રેસ સહિત 6 ટ્રેનોમાંથી સુપરફાસ્ટ સરચાર્જ નાબૂદ કરવામાં આવશે. આ ટ્રેનો નવા નંબર સાથે દોડશે. આ નિર્ણયથી હજારો મુસાફરોને સસ્તા ભાડાનો લાભ મળશે.

સુપરફાસ્ટમાંથી સામાન્ય એક્સપ્રેસ કેટેગરી થવાથી લાગતો વધારાનો સુપરફાસ્ટ ચાર્જ હવે નહીં લેવાય. જેનાથી ટિકિટ દીઠ ભાડામાં ઘટાડો થશે:

  • જનરલ / સેકન્ડ સિટિંગ (2S): ટિકિટ દીઠ 15 રૂપિયાનો ઘટાડો
  • સ્લીપર ક્લાસ: ટિકિટ દીઠ 30 રૂપિયાનો ઘટાડો
  • AC ચેર કાર અને થર્ડ એસી: ટિકિટ દીઠ 45 રૂપિયાનો ઘટાડો
  • સેકન્ડ એસી અને ફર્સ્ટ એસી: ટિકિટ દીઠ 75 રૂપિયાનો ઘટાડો

અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન થઈને મહારાષ્ટ્ર તરફ દોડતી ગાડી સંખ્યા 20495/20496 જોધપુર–હડપસર–જોધપુર દૈનિક સુપરફાસ્ટ એક્સપ્રેસ 3 જાન્યુઆરી 2027થી નવા નંબર 14809/14810 સાથે એક્સપ્રેસ સેવા તરીકે દોડશે. આ ફેરફારથી અમદાવાદ સહિત આ રૂટના હજારો મુસાફરોને સસ્તા ભાડાનો સીધો લાભ મળશે. જોકે, આ ટ્રેનના સંચાલન સમય અને વર્તમાન સ્ટોપેજ કે રૂટમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ ઉપરાંત, પશ્ચિમ રેલવે દ્વારા 1 જાન્યુઆરી 2027થી નીચે મુજબની ટ્રેનોને એક્સપ્રેસ તરીકે નવા નંબરે દોડાવવામાં આવશે:

  • ટ્રેન નં. 12927 (દાદર - એકતાનગર): નવો નંબર 19067
  • ટ્રેન નં. 12928 (એકતાનગર - દાદર): નવો નંબર 19068
  • ટ્રેન નં. 20959 (વલસાડ - વડનગર): નવો નંબર 19059
  • ટ્રેન નં. 20960 (વડનગર - વલસાડ): નવો નંબર 19060