સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના ટ્રાફિકજામ પર કાયમી ઉકેલ: 35 કટ બંધ, 6 નવા કટ ખુલશે અને 24 જગ્યાએ નવા સિગ્નલ

અમદાવાદના ટ્રાફિકજામ પર કાયમી ઉકેલ: 35 કટ બંધ, 6 નવા કટ ખુલશે અને 24 જગ્યાએ નવા સિગ્નલ

અમદાવાદમાં વાહનોની સંખ્યા સતત વધી રહી છે અને તેની સાથે ટ્રાફિકજામ પણ ગંભીર બનતો જાય છે. ખાસ કરીને પીક અવર્સમાં લોકોએ લાંબો સમય રસ્તા પર અટવાવું પડે છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે ખાસ સર્વે હાથ ધર્યો હતો.

સર્વેમાં શહેરના કયા જંકશનો પર સૌથી વધુ ટ્રાફિકજામ થાય છે અને તેનો ટેકનિકલ ઉકેલ શું હોઈ શકે, તેની તપાસ કરવામાં આવી. સર્વેના તારણો બાદ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત, ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની વચ્ચે સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટ્રાફિકનો પ્રવાહ સતત ચાલુ રહે તે માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

ટ્રાફિક વિભાગે બેઠકમાં 35 બમ્પ મૂકવા, 35 નવા કટ બંધ કરવા અને 6 નવા કટ ખોલવા સૂચન કર્યું છે. આ સૂચનોનો અમલ ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે.

પોલીસના સર્વે મુજબ સૌથી વધુ ટ્રાફિકની ગૂંચવણ ચાર રસ્તાઓ પર સીધા અને ક્રોસ થતા વાહનોને કારણે ઊભી થાય છે. વિદેશમાં અપનાવાયેલા ટ્રાફિક મેનેજમેન્ટ મોડલની જેમ ચાર રસ્તા પર સીધું ક્રોસિંગ બંધ કરીને થોડા આગળ યુ-ટર્ન કે કટ આપવામાં આવે તો વાહનોને બિનજરૂરી ઊભા રહેવું પડતું નથી અને ટ્રાફિકનો પ્રવાહ સતત ચાલુ રહે છે.

આ મોડલ લાગુ કરવા માટે શહેરમાં વધુ ટ્રાફિકવાળા 35 સ્થળો પર કટ બંધ કરવાની ભલામણ કરવામાં આવી છે. સાથે જ વાહનોનો નિકાલ ઝડપથી થાય તે માટે 6 સ્થળો પર નવા કટ ખોલવામાં આવશે. ટ્રાફિક પોલીસ અને મનપાની ટીમ સંયુક્ત નિરીક્ષણ કરીને આ કામગીરી પૂર્ણ કરશે.

અકસ્માતો રોકવા માટે 35 જગ્યાએ બમ્પ બનાવવાનું પણ સૂચન કરાયું છે. શહેરના એવા ચાર રસ્તા જ્યાં ટ્રાફિક વોલ્યુમ વધારે છે, પરંતુ હાલ સિગ્નલ સિસ્ટમ નથી, તેવા 24 મહત્વના પોઇન્ટ્સ પર નવા આધુનિક ટ્રાફિક સિગ્નલ લગાવવા માટે AMCને વિગતવાર યાદી સોંપવામાં આવી છે. આ ઉપરાંત શહેરના વિવિધ રાજમાર્ગો પર ઓવર સ્પીડિંગ અને અણધાર્યા અકસ્માતોને અંકુશમાં લેવા માટે 35 ચોક્કસ સ્થળો પર સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન મુજબના બમ્પ બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે.

ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંકલન સાધીને ગ્રાઉન્ડ લેવલે કામગીરી આગળ વધારી રહ્યા છે. જોકે તંત્રના આયોજનની સાથે વાહનચાલકોની સ્વયંશિસ્ત પણ એટલી જ મહત્વપૂર્ણ છે. વિદેશની જેમ અમદાવાદના નાગરિકો પણ ટ્રાફિક નિયમોનું કડક પાલન કરે, લાઈન શિસ્ત જાળવે અને બિનજરૂરી હોર્ન તથા રોંગ સાઈડ ડ્રાઇવિંગ ટાળે તો શહેરની ટ્રાફિક સમસ્યા કાયમી ધોરણે હળવી થઈ શકે છે.