અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસે 'કેપ્સ્યુલ ફોર્મ્યુલા' અમલમાં મૂકી છે. આ ફોર્મ્યુલા હેઠળ ચાર રસ્તા પર સિગ્નલ બંધ કરીને ટ્રાફિક સતત ચાલુ રાખવામાં આવે છે, જેથી વાહનચાલકોનો સમય બચે છે.
આ યોજના અંતર્ગત ઈસનપુર ચાર રસ્તા પરનો કટ કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. પહેલા અહીં સિગ્નલ હતા ત્યારે વાહનચાલકોએ 15 મિનિટ સુધી ટ્રાફિકમાં ઊભા રહેવું પડતું હતું, પરંતુ હવે આ જ રસ્તો માત્ર 2 મિનિટમાં પસાર થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક વિભાગના એડિશનલ સિટી ઇન્જિનિયર એચ.ટી. મહેતાએ આ માહિતી આપી છે.
શહેરમાં અત્યાર સુધીમાં 6 મહત્વપૂર્ણ સ્થળોએ આ મોડેલ સફળતાપૂર્વક લાગુ કરવામાં આવ્યું છે. જેમાં પેલેડિયમ મોલ સામે કટ બંધ કરાયો છે, કારગિલ પેટ્રોલ પંપ સામે પાકા ડિવાઇડર બનાવાયા છે, હાટકેશ્વર જંક્શન પર ડિવાઇડર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, તેમજ હિરાવાડી, સૈજપુર, ગરીબનગર અને બાપુનગર વિસ્તારોમાં પણ આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.
હંગામી ધોરણે કરાયેલા પ્રયોગો સફળ નીવડતાં હવે સોલા ઓવર બ્રિજ નીચે પણ આગામી દિવસોમાં આ જ કેપ્સ્યુલ ફોર્મ્યુલા અને સિગ્નલ ફ્રી મોડલ અમલમાં મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે, જેથી પશ્ચિમ વિસ્તારના ટ્રાફિક ભારણને ઘટાડી શકાય.