અમદાવાદમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત પગલાં લેવામાં આવી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા સર્વેના આધારે 35 સ્થળે ડિવાઇડર કટ બંધ કરવા, 6 નવા કટ ખોલવા, 24 સ્થળે નવા ટ્રાફિક સિગ્નલ લગાવવા અને 33 સ્થળે બમ્પ બનાવવાની ભલામણ કરવામાં આવી છે.
ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે પોલીસ અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચાર રસ્તા, ડિવાઇડર કટ, ટ્રાફિક સિગ્નલ, ઓવર સ્પીડિંગ અને રોડ એન્જિનિયરિંગ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
ટ્રાફિક પોલીસના સર્વેમાં જાણવા મળ્યું છે કે શહેરના કેટલાક ચાર રસ્તા અને ડિવાઇડર કટ એવા છે જ્યાં વાહનોના ક્રોસિંગને કારણે ટ્રાફિકની ગતિ ધીમી પડે છે. આવા 35 સ્થળોએ ડિવાઇડર કટ બંધ કરવાની ભલામણ કરવામાં આવી છે. કટ બંધ થયા બાદ વાહનોને આગળના નિયત કટ અથવા જંકશન પરથી પસાર કરવામાં આવશે, જેથી રોડ પર વાહનોની અવરજવર સતત ચાલુ રહે અને ચાર રસ્તા પર અનાવશ્યક ભીડ ઘટે.
જ્યાં કટ જરૂરી હોવાનું જણાયું છે ત્યાં નવા કટ ખોલવાની પણ ભલામણ કરવામાં આવી છે. આ માટે કુલ 6 સ્થળો સૂચવવામાં આવ્યા છે, જેમાં હનુમાનપુરા ગલી કટ, એસ.જી. હાઇવે પર મકરબા ગામ તરફ જતો કટ, નાઝ એન્ટરપ્રાઇઝ, અર્શ એન્ટરપ્રાઇઝ, પ્રિન્સ ચશ્મા ઘર અને સ્ટાર વે બ્રિજ સામેનું સ્થળ સામેલ છે.
શહેરમાં કેટલાક ત્રણ રસ્તા અને ચાર રસ્તા એવા છે જ્યાં વાહનોની અવરજવર વધુ હોવા છતાં ટ્રાફિક સિગ્નલ નથી. આવા 24 સ્થળોએ નવા ટ્રાફિક સિગ્નલ લગાવવા માટેની યાદી કોર્પોરેશનને આપવામાં આવી છે. સૂચિત સ્થળોમાં વૈષ્ણોદેવી સર્કલ, સનાથલ સર્કલ, ઉજાલા સર્કલ, પ્રહલાદનગર, રામોલ ચોકી ચાર રસ્તા, ગામડી ચાર રસ્તા, જ્ઞાનશક્તિ સર્કલ અને તાજ હોટલ ચાર રસ્તા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. પીરાણા બ્રિજ અને કોઝી હોટલ પાસેના સિગ્નલ બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ લગાવવાની દરખાસ્ત છે.
વાહનોની વધુ ઝડપના કારણે અકસ્માતની શક્યતા રહેતી હોવાથી વિવિધ રોડ પર બમ્પ બનાવવાની પણ ભલામણ કરવામાં આવી છે. કુલ 33 સ્થળે બમ્પ બનાવવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. આ સ્થળોમાં ન્યુ સાયન્સ સિટી રોડ, નીલગીરી સર્કલ, સિંધુભવન રોડ, કારગિલ પાસેનું નવું કેપ્સ્યુલ કર્વ, હેબતપુર, 132 ફૂટ રિંગ રોડ, આંબલી, અર્બન ચોક, એસ.પી. રિંગ રોડ, ઇસ્કોન કટ, ઇન્દ્રપ્રસ્થ કટ, વેજલપુર, ગાંધી આશ્રમ-ગૌશાળા રોડ, ચાંદખેડા ચાર રસ્તા અને મેમ્કો-ઈંટવાડા સર્કલનો સમાવેશ થાય છે.
ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે માત્ર ટ્રાફિક નિયમોના અમલ પર જ નહીં, પરંતુ રોડની રચના અને વ્યવસ્થામાં જરૂરી ફેરફાર કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જે સ્થળોએ કટ બંધ કે ખોલવાના છે, સિગ્નલ લગાવવાના છે અથવા બમ્પ બનાવવાના છે ત્યાં ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ સંયુક્ત મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ સ્થળની જરૂરિયાત પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવશે.
ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, શહેરમાં વધતા વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યા માત્ર રોડ એન્જિનિયરિંગથી ઉકેલી શકાય નહીં. નાગરિકોએ પણ ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, નિયત લેનમાં વાહન ચલાવવું, ઓવર સ્પીડિંગ ટાળવું અને જ્યાં-ત્યાં વાહન પાર્ક ન કરવું જેવી બાબતોમાં સહકાર આપવો જરૂરી છે.