અમદાવાદના વેપારીઓ UPI પર લાગુ થયેલા ચાર્જનો વિરોધ કરી રહ્યા છે. ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG)ના હોલસેલર્સનું કહેવું છે કે 30,000 રૂપિયાના UPI પેમેન્ટ પર તેમને 450 રૂપિયાનું માર્જિન મળે છે. પરંતુ આ રકમ પર 0.4 ટકાના દરે 120 રૂપિયા GST કપાઈ જતાં તેમનો ચોખ્ખો નફો ઘટીને 330 રૂપિયા થઈ જાય છે.
શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠન સાથે જોડાયેલા વેપારીઓ કહે છે કે સરકારે 'વન નેશન વન ટેક્સ'ની જે વાત કરી હતી તે હવે પોકળ લાગે છે. તેમનું કહેવું છે કે UPIથી થતા પેમેન્ટમાં GSTની રકમ પહેલેથી જ સામેલ હોય છે, છતાં કુલ પેમેન્ટ પર ફરીથી 0.4 ટકા ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે. તેમની દલીલ છે કે આનાથી ટેક્સ પર ટેક્સ લાગવાની સ્થિતિ ઊભી થાય છે.
વેપારીઓના જણાવ્યા મુજબ, 75,000 રૂપિયાના UPI પેમેન્ટ પર વધુમાં વધુ 3,000 રૂપિયા સુધીનો ટેક્સ ભરવાનો આવે છે. પરંતુ FMCG હોલસેલર્સ માટે આ નાની રકમ પણ તેમના 33 ટકા માર્જિનને ખાઈ જાય છે.
FMCG હોલસેલર્સનું કહેવું છે કે તેઓ માત્ર 5 ટકાના ગ્રોસ નફા પર ધંધો કરે છે. તેમાંથી 3 થી સાડા ત્રણ ટકા પગાર અને ડિલિવરીના ખર્ચમાં જતા રહે છે. આ ખર્ચ બાદ તેમની પાસે દોઢ ટકા જેટલી રકમ બચે છે. UPI પેમેન્ટ પર 0.4 ટકા ટેક્સ લાગુ થતાં 450 રૂપિયાના નફામાંથી 120 રૂપિયા GST પેટે કપાઈ જાય છે અને નફો 330 રૂપિયા થઈ જાય છે.
વેપારીઓ કહે છે કે જેમની પાસે પોતાનું ગોદામ છે તેમના માટે આ રકમ ચોખ્ખા નફા તરીકે બચી શકે છે. પરંતુ જે હોલસેલર ભાડે ગોદામ ચલાવે છે તેમનો નફો વધુ ઘટે છે. આ સ્થિતિમાં તેમને ધંધામાં મુશ્કેલી પડી શકે છે.
એક ઉદાહરણ આપતાં વેપારીઓએ કહ્યું કે પાણીપૂરી વેચનારની દૈનિક આવક 10,000 રૂપિયા હોય તો પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ સરકાર સુધી પહોંચે છે અને ભવિષ્યમાં આવકવેરાની આવકની સંભાવના વધે છે. પરંતુ UPI પર ટેક્સ લાગુ થતાં આ વેપારીઓ ડિજિટલ પેમેન્ટ લેવાને બદલે રોકડમાં વ્યવહાર કરવાનું પસંદ કરશે.
છેલ્લા પાંચ વર્ષમાં રોકડના વ્યવહારમાં ઘટાડો થયો હતો. વેપારીઓનું કહેવું છે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ થતાં લોકો ફરીથી રોકડ તરફ વળશે, જેનાથી ડિજિટલ ઇન્ડિયાને ફટકો પડી શકે છે.